તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ધો.3થી 8 માટે 20થી 23 જુલાઇ સુધી મૂલ્યાંકન કસોટી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો.3-4માં ગણિત-ગુજરાતી તથા ધો.5થી ધો.8માં ગણિત-ગુજરાતી અને અંગ્રેજીની કસોટી

આ વર્ષે કોરોનાને લીધે ધો.3થી ધો.8માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યા બાદ હવે શિક્ષણ વિભાગે ધો.3થી 8ના વિદ્યાર્થીઓ માટે એકમ મૂલ્યાંકન કસોટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ એકમ કસોટી તા.20 જુલાઇથી તા.23 જુલાઇ દરમિયાન લેવામાં આવશે. આ મૂલ્યાંકન કસોટીની ઉત્તરવહીઓ વિદ્યાર્થીઓએ લખીને તા.30 જુલાઇ સુધીમાં શાળા ખાતે જમા કરાવવાની રહેશે. આ મૂલ્યાંકન કસોટી લેવાનો હેતુ અગાઉના વર્ષમાં વિદ્યાર્થીઓ શું શિખ્યા તે જાણવા માટે હોય આ કસોટીના પ્રશ્નપત્રો તેના અગાઉના વર્ષને લક્ષ્યમાં લઇને તૈયાર કરવામાં આવશે. જેમ કે ધો.8ના પેપર ધો.7ના કોર્સને ધ્યાને લઇને તૈયાર કરવામાં આવશે.

આ વર્ષે ધો.3 અને ધો.4માં ગુજરાતી( પ્રથમ ભાષા) અને ગણિત (25 માર્ક), ધો.5માં ગુજરાતી( પ્રથમ ભાષા) , ગણિત અને અંગ્રેજી (25 માર્ક), ધો.6,ધો.7 અને ધો.8માં માં ગુજરાતી( પ્રથમ ભાષા) , ગણિત અને અંગ્રેજી (50 માર્ક)ની પરીક્ષા લેવામાં આવશે. અન્ય માધ્યમ માટે ગુજરાતીને બદલે જે તે પ્રથમ ભાષા હોય તેની કસોટી લેવામાં અાવશે. અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજીને બદલે ગુજરાતી (દ્વિતીય ભાષા)ની કસોટી લેવામાં આવશે. આ કસોટીઓ તા.19 જુલાઇ સુધીમાં વિદ્યાર્થીઓ સુધી હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપીમાં પહોંચતી કરવાની રહેશે. તા.20 જુલાઇના રોજ જીસીઇઆરટીની વેબસાઇટ, www.gcert.gujarat.gov.in પર પણ તમામ માધ્યમની કસોટીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતી માધ્યમની કસોટીઓ જે તે વિષયના પાઠ્યપુસ્તકની અનુક્રમણિકા પરના ક્યુઆર કોડપરથી પણ મેળવી શકાશે.

આ કસોટી વાલી અને વિદ્યાર્થીઓની અનુકૂળતાએ વિદ્યાર્થી વાલીની દેખરેખ હેઠળ ઘરેથી લખે તે ઇચ્છનિય છે. કસોટીનો આશય વિદ્યાર્થીની શૈક્ષણિક સ્થિતિ જાણવાનો હોય વિદ્યાર્થીઓએ કસોટી ભયમુક્ત અને તણાવમુક્ત વાતાવરણમાં આપે તે ઇચ્છનિય છે. માસ પ્રમોશન બાદ નવું સત્ર શરૂ થયું છે ત્યારે પાછલા વર્ષની પરીક્ષા લેવાના નિર્ણયથી કચવાટ ફેલાયો છે.

કસોટીની નોટબૂકમાં જવાબો લખવાના રહેશે
ધો.4થી ધો.8માં કસોટીના ઉત્તરો ગત વર્ષની એકમ કસોટીની નોટબૂકમાં લખવાના રહેશે. સંજોગોવશાત આ નોટબૂક ઉપલબ્ધ ન હોય તો અન્ય નોટબૂકમાં લખવાના રહેશે. ધો.3ની ગુજરાતી અને ગણિતની કસોટીઓના પેપરની અંદર જ ઉત્તરો લખવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...