ધો.12ની પરીક્ષા આપવા એમ્બ્યુલન્સમાં પહોંચી:કમરથી નીચેનો ભાગ ખોટો પડતા ચાલવા માટે અસમર્થ વિદ્યાર્થિની હિંમત ન હારી, દૃશ્યો જોઇ દરેક બોલી ઊઠ્યા 'વાહ દીકરી વાહ'

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો મન હોય તો માળવે જવાય તેમજ ઈરાદાઓ મજબૂત હોય તો અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને એક વિદ્યાર્થિની સાચી સાબિત કરી રહી છે. કમરથી નીચેનો ભાગ ખોટો પડતા ચાલવા માટે અસર્મથ હોવા છતાં વિદ્યાર્થિનીએ હિંમત કરીને એમ્બ્યુલન્સમાં ધોરણ 12ની પરીક્ષા આપવા પહોંચી હતી. ભાવનગરની વિદ્યાર્થિની ઈશિતા વ્યાસે મક્કમ મનોબળ સાથે ખુરશીમાં બેસી પેપર લખ્યું હતું. ત્યારે આ દૃશ્ય જોઈ લોકો પણ બોલી ઊઠ્યા હતા કે, 'વાહ દીકરી વાહ'.

ઉત્સાહપૂર્વક પરીક્ષા આપવા એમ્બ્યુલન્સ મારફતે પહોંચી
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો મંગળવારથી પ્રારંભ થયો છે જેમાં ભારે જોશ અને ઉમંગઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે ધોરણ 12ની એક્સટર્નલ વિદ્યાર્થિની તરીકે ઈશિતા વ્યાસ પણ પરીક્ષા આપી રહી છે, જેનો કમરથી નીચેનો ભાગ ખોટો પડી ગયો હોવા છતાં પણ ભારે ઉત્સાહપૂર્વક પરીક્ષા આપવા એમ્બ્યુલન્સ મારફતે પહોંચી હતી. વિદ્યાર્થિનીએ હિંમત હાર્યા વિના કપરી કસોટીનો અડગ બનીને સામનો કરવાનો દૃઢ નિર્ધાર કર્યો છે.

વિદ્યાર્થિનીની ધગશ જોઈને ઉત્સાહ વધાર્યો
ભાવનગર શહેરના નિર્મળનગરમાં રહેતી અને નંદકુંવરબા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ઈશીતા અરુણભાઈ વ્યાસે મક્કમ નિર્ધાર અને કંઈક કરી છૂટવાની જીદે પથારીવશ હોવા છતાં ધોરણ 12ની પરીક્ષાઓની તૈયારીઓ કરી હાલમાં પરીક્ષા આપી રહી છે. તબીબોએ આશાવાદ આપ્યો છે કે, આ યુવતી પહેલાં જેવી જ ઠીક થઈ જશે, પરંતુ સમય લાગશે. હાલમાં ધોરણ-12 આર્ટ્સની પરીક્ષા ચાલી રહી હોવાથી આ વિદ્યાર્થી હાલવા-ચાલવા માટે અસમર્થ હોવાથી એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચરમાં સૂઈ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી હતી અને ચેરમાં બેસી પેપર લખ્યું હતું. આ વિદ્યાર્થિનીની ધગશ જોઈને પરીક્ષા કેન્દ્રના સુપરવાઈઝર તથા સંચાલકોએ ઉત્સાહ વધારી અભિનંદન આપ્યાં હતાં.

'ગયા વર્ષે હું પરીક્ષા ન આપી શકી તેનો મને ખૂબ અફસોસ છે'
વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, મને ન્યુઓમાઈટીસ એપ્ટિકા નામની બીમારી થઈ છે. જેમાં કેટલાય દર્દીઓની રિકવરી અશક્ય હોય છે અને કેટલાકની શક્ય હોય છે, ત્યારે મને પણ હજુ સંપૂર્ણ રિકવરી આવી નથી. હજુ રિકવરી આવવામાં સમય લાગશે. ગયા વર્ષે હું પરીક્ષા આપી શકી ન હતી. જેનો મને ખૂબ અફસોસ થયો હતો. પરંતુ આ વખતે હું પરીક્ષા આપી રહી છું. કેટલાય વિદ્યાર્થીઓના સેન્ટર દૂર આપવામાં આવ્યાં છે. ત્યારે અમારા જેવા વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડે છે. અમારા જેવા વિદ્યાર્થીઓ માટે બોર્ડે ખાસ વ્યવસ્થા કરવી જોઈએ.

પરીક્ષા કેન્દ્ર સુધી તેડવા-મૂકવા માટે સેવાભાવી આગળ આવ્યા
ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી સામાજિક સેવા માટે ખ્યાતનામ બનેલા સર્વધર્મ એમ્બ્યુલન્સના સંચાલક સલીમભાઈ શેખે આ વિદ્યાર્થિનીના ઉત્સાહને નિહાળી તથા પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પરીક્ષા કેન્દ્રો સુધી વિદ્યાર્થિનીને તેના ઘરેથી સ્ટ્રેચરમાં સૂવડાવી પરીક્ષા ખંડ સુધી પહોંચાડવા તથા પેપર પૂર્ણ થયે પરત એ જ રીતે ઘર સુધી વિનામૂલ્યે તેડી-મૂકી જવાની જવાબદારી સંભાળી છે.

અન્ય સમાચારો પણ છે...