કાર્યવાહી:S.G.S.T. દ્વારા અસલમ કલીવાલાની ધરપકડ ,70 ટીમ ભાવનગરમાં ત્રાટકી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રીયાઝ પીરવાણી, સજ્જાદ ભોજાણીને ત્યાં પણ SGSTના દરોડા
  • સર ટી. હોસ્પિટલમાં​​​​​​​ સવારે ICUમાં અને સાંજે તંત્રએ અટક કરી

સ્ટેટ જીએસટીની અમદાવાદ, વાપી, રાજકોટ, સુરત, મહેસાણાના અધિકારીઓની 70 ટુકડીઓ દ્વારા ભાવનગરના વિવિધ સ્થળોએ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન એકની ધરપકડ કરવામાં આવી છે અને અન્યને ત્યાં હજુ દરોડાની કામગીરી ચાલી રહી છે.

મંગળવારે સવારથી ભાવનગર શહેરના વીઆઇપી, કુંભારવાડા, આતાભાઇ રોડ, આદમજીનગર નારી ચોકડી, શિશુવિહાર, મામસા સહિતના સ્થળોએ સ્ટેટ જીએસટીની જુદી જુદી ટુકડીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એચ.કે.મેટલ સાથે સંકળાયેલા અસલમ કલીવાલા છેલ્લા દોઢેક માસથી ધરપકડ ટાળવા જુદી જુદી મેડિકલ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં હતા, ત્યાંથી ધોંસ વધતા તેઓને સોમવારે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને મંગળવારે સવારે પણ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા તેઓને આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદના તબીબી પરિક્ષણો સામાન્ય જણાતા બપોરબાદ સ્ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા અસલમ કલીવાલાની ધરપકડ કરી તબીબી દેખરેખ તળે અમદાવાદ લઇ જવામાં આવ્યા છે.

અગાઉ અસલમ કલીવાલાએ મેડિકલ ગ્રાઉન્ડ ઉપર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી જે બે દિવસ અગાઉ કોર્ટે નકારી કાઢી હતી અને ત્યારથી અસલમ કલીવાલાની ધરપકડના ભણકારા વાગી રહ્યા હતા.

બીજી તરફ આતાભાઇ રોડ પર આંગી આર્કેડ ઓફિસ નં.305માં સજ્જાદ ભોજાણીને ત્યાં સવારથી દરોડા પાડવામાં આવ્યા હતા અને 70 જેટલી ફાઇલો ચકાસવામાં આવી હતી. ઉપરાંત સ્ટેટ જીએસટી અધિકારીઓ દ્વારા તેઓનું કોમ્પ્યુટર કબજે લેવામાં આવ્યુ છે. નારી ચોકડીએ આવેલા આદમજીનગરમાં રહેતા રીયાઝ પીરવાણીને ત્યાં પણ સવારથી એસજીએસટીના અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, અને મોડી રાત્રે પણ આ કામગીરી ચાલી રહી છે. ઉપરાંત વીઆઇપી, કુંભારવાડા, મામસા સહિતની જગ્યાઓએ પણ આખો દિવસ જીએસટીના અધિકારીઓના વાહનોની આવન-જાવન ચાલુ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...