કામગીરી:રસ્તાના મામલે નેતાઓ પ્રજા વચ્ચે જઈ શકતા ન હોવાથી રાતોરાત કામો ચાલુ

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌરવ પથનો રસ્તો એક રાતમાં મોદી આવવાના હોવાથી રિકાર્પેટ થયો
  • શહેરના​​​​​​​ મુખ્ય અને અંતરીયાળ રસ્તાના ખાડાઓને કારણે પ્રચારમાં જતા નેતાઓનો લોકો જાહેરમાં ઉધડો લઈ નાખે છે

ભાવનગરના લોકો છેલ્લા કેટલાય મહિનાઓથી ખખડધજ રસ્તાઓથી પરેશાન છે ત્યારે ચૂંટણી આવતા જ એકાએક શહેરમાં મુખ્યરોડ અને ગલી-ખાંચાઓમાં રોડના કામો શરૂ થઈ ગયા છે. ત્યારે લોકો કટાક્ષમાં ચૂંટણી પાંચ વર્ષે નહીં પણ દર વર્ષે આવવી જોઈએ તેવી માંગણી કરી રહ્યા છે.વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ નેતાઓને ફરજીયાત પ્રજાની વચ્ચે જવુ પડે છે.પ્રજાની વચ્ચે નેતાઓને પ્રશ્નોનો સામનો કરવો પડે નહીં તે માટે શહેરમાં એકાએક જ ઠેરઠેર રસ્તાઓના કામો શરૂ થઈ ગયા છે. રસ્તાના આ કામો અંગે કોર્પોરેશનના રોડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ કામો અગાઉ મંજુર થયેલા જ છે અને તેના વર્ક ઓર્ડર પણ અપાય ગયા છે.

વરસાદને કારણે રસ્તાના કામો બંધ હતા તે ફરી શરૂ કરાયા છે.ખખડધજ રસ્તાઓ અંગે શાસક-વિપક્ષ બન્ને પ્રજાની વચ્ચે જવુ અઘરૂ પડયુ છે કારણ કે જાગૃત બનેલા લોકો પ્રચારમાં જોડાયેલા કોર્પોરેટરોનો જાહેરમાં જ ઉધડો લઈ લે છે.આ કારણોસર સ્થાનિક નગરસેવકો રસ્તાના કામ શરૂ થાય તે પછી જ વોર્ડમાં જાય છે.

ભાવનગર ગૌરવ પથને વર્ષો બાદ ગૌરવ મળ્યુ
ભાવનગરમાં પ્રવેશતા જ નારી ચોકડીથી શરૂ થતા ગૌરવપથની દશા સૌથી વધુ ખરાબ છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી કાર માર્ગે ચિત્રા સભામાં પહોંચશે કે હેલીકોપ્ટર દ્વારા તે નક્કી નહીં હોવાથી તંત્રએ રાતોરાત ગૌરવપથના રોડને રીકાર્પેટ કર્યો છે. આ પથનું ગૌરવ વર્ષો બાદ પાછુ મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...