ભાવનગરથી મુંબઇ વચ્ચેની હવાઇ સેવા અંતર્ગત એર ઇન્ડીયાની એર એલાયન્સની ફ્લાઇટ આગામી તા.7મી માર્ચથી બંધ કરવામાં આવી રહી છે. એર ઇન્ડીયાના ભાવનગર ખાતેના 12 કર્મચારીઓની બદલીની પ્રક્રિયાઓ તુરંત શરૂ થઇ ગઇ છે. એર ઇન્ડીયાના ભાવનગર ખાતેના કુલ કર્મચારીઓ પૈકી 12ની બદલીઓ અન્ય હવાઇ મથકો ખાતે કરવામાં આવી હોવાની ચર્ચાઓ કર્મચારીઓ કરી રહ્યા છે. દરમિયાન એર ઇન્ડીયાના ભાવનગર ખાતેના સ્ટેશન મેનેજર અશોક સન્માનકરનના જણાવ્યા અનુસાર હજુ સુધી કોઇ કર્મચારીની બદલીના સત્તાવાર ઓર્ડર આવ્યા નથી.
ભાવનગર ખાતેની ફ્લાઇટ પુન: ચાલુ થાય તેના માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. છતા મેનેજમેન્ટને જે યોગ્ય લાગે તે નિર્ણય લઇ શકે છે.એર એલાયન્સની ભાવનગરથી મુંબઇની ફ્લાઇટ બંધ થઇ રહી છે તેના કારણે કર્મચારીઓમાં પણ બદલીની ચર્ચાઓ શરૂ થઇ છે.દરમિયાનમાં ભાવનગરથી નોંધપાત્ર પ્રમાણમાં મુસાફરો મળતા હોવા છતાં એરલાઈન્સ દ્વારા ભાવનગર-મુંબઈની વિમાની સેવા બંધ કરવામાં આવતા નગરજનોમાં પણ રોષની લાગણી પ્રવર્તી છે અને આ અન્યાય સત્વરે દૂર કરવા સરકાર પગલા ભરે તેવી લાગણી વ્યક્ત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.