કાર્યવાહી:મોહંમદ ટાટા જબ્બે થતા જ ભેજાબાજો ભૂગર્ભમાં

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોહંમદઅબ્બાસ સવજાણીના વધુ બે દી’ના રીમાન્ડ મંજૂર
  • બોગસ બિલિંગના ચકચારી કૌભાંડ અંગે વધુ પુછપરછ બાકી હોવાની માંગણી કોર્ટે ગ્રાહ્ય રાખી

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં બોગસ બિલિંગ કૌભાંડનું નેટવર્ક ચલાવી રહેલા મોહંમદઅબ્બાસ સવજાણી (ઉર્ફે ટાટા)ની રવિવારે ધરપકડ કરાયા બાદ તેના મળતીયા ભેજાબાજોમાં ડર પેસી જતા પડોશી રાજ્યોમાં ઉતરી ગયા છે. દરમિયાન ટાટાના વધુ બે દિવસના રીમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.મોહંમદ ટાટાના રીમાન્ડ સોમવારથી શરૂ થયા હતા. બુધવારે બપોરે રીમાન્ડ પૂર્ણ થતા ટાટાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

કોર્ટમાં સ્ટેટ જીએસટીના અધિકારીઓએ બોગસ બિલિંગનો ટાટા માસ્ટર માઇન્ડ હોવાની અને તેની વિસ્તૃત પુછપરછ બાકી હોવાની દલીલો કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હતી અને વધુ બે દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.નામ જાહેર નહીં કરવાની શરતે તપાસનીશ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મહંમદઅબ્બાસ સવજાણી ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં પણ બોગસ બિલિંગનું મોટું નેટવર્ક ધરાવે છે. પડોશી રાજ્યોમાં પણ તેની સાથે કોણ કોણ સંકળાયેલા છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

બીજી તરફ જીએસટીના જ અધિકારીઓ ટાટાને શરણું આપી રહ્યા હતા, તથા તેના કૌભાંડમાં આંખ આડા કાન કરી રહ્યા હોવાની દિશામાં પણ તપાસ ચલાવાઇ રહી છે.દરમિયાન બોગસ બિલિંગના મોહંમદ ટાટાના કાળો કારોબાર સંભાળી રહેલા તેના મળતીયા ભેજાબાજોને ટાટા રીમાન્ડ દરમિયાન કાંઇક બોલી જશે તો કાર્યવાહી થશે તેવા ડર સાથે ભાવનગર છોડી અને પડોશી રાજ્યોમાં ઉતરી ગયા છે.

મોહંમદ ટાટાના પિતરાઇ ભાઇ અફઝલ સાદીકઅલી સવજાણીના અમદાવાદના જુહાપુરા ખાતેના રહેણાંક પર તા.7મી જુલાઇ 2021ના રોજ સ્ટેટ જીએસટીએ દરોડો પાડતા મોટા પ્રમાણમાં ડીજીટલ ડેટા મળી આવ્યો હતો. અને તેમાં ટાટાની સંડોવણીના પર્યાપ્ત પુરાવા તંત્રને મળેલા છે.

અન્ય સમાચારો પણ છે...