ક્રાઇમ:સશસ્ત્ર ટોળા સામસામે આવતા માળી વાળા ખાંચામાં નાસભાગ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરના હાલારી-બાદશાહ જૂથ વચ્ચે થઇ માથાકૂટ
  • આજુબાજુની દુકાનોના CCTVમાં ઘટના કેદ થઇ ગઇ

ભાવનગર શહેરના નવાપરાના માળીવાળા ખાંચામાં આવેલા એક ફ્લેટમાં પાર્કિંગમાં કાર રાખવાના મુદ્દે બે માથાભારે જૂથો સામસામે આવી જતા કલાકો સુધી સશસ્ત્ર હાંકલા-પડકારા થયા હતા, જો કે બંને જૂથ એકજ કોમના હોવાથી ઘીના ઠામમાં ઘી પડી ગયુ હતુ.

નવાપરા માળીવાળા ખાંચામાં આવેલા એક ફ્લેટમાં રહેતા હાલારી જૂથ અને બાદશાહ જૂથ વચ્ચે પાર્કિંગમાં કાર મુકવાના મુદ્દે ઘર્ષણ સર્જાયુ હતુ, હાલારી જૂથના યુવાને અપશબ્દોનો વરસાદ કરતા એસઆરપી જવાને યુવાનને લમધારી નાંખ્યો હતો. ગીન્નાઇ ગયેલા હાલારી જૂથે સાંઢીયાવાડના માથાભારે જૂથને જાણ કરવામાં આવતા મુંબઇ બેઠેલા ભાઇલોગના આદેશો છૂટતા 6 ગાડીઓમાં 25થી 30 યુવાનો હથિયારો સાથે ત્રાટક્યા હતા. સામા પક્ષે બાદશાહ જૂથના યુવાનો પણ મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા, અને હથિયારો લહેરાવા લાગ્યા હતા. બાદશાહ જૂથ દ્વારા ગાંધીનગરમાં પણ આ ઘટના અંગે પોતાના ઉપરીઓને જાણ કરવામાં આવી હતી.

આ તમામ ઘટના આજુબાજુની દુકાનોના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હોવા છતા કોઇ સત્તાવાર પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી, અને આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી હોવા છતા પોલીસ દ્વારા પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનું જાણવા મળ્યુ છે. પરંતુ ફ્લેટમાં રહેતા નાગરિકો આ ઘટનાને કારણે ડરી ગયા હતા.

બંને જૂનો એક જ કોમના હોવાથી સાણોદર જૂથના યુવાને મધ્યસ્થી કરતા આર્થિક વ્યવહારના અવેજમાં અને હાલારી જૂથે જાહેરમાં માફી માગતા મામલો ઠંડો પડ્યો હતો, પરંતુ આ બાબત ટોક ઓફ ધ ટાઉન બની રહી હતી. આ અંગે સી ડીવીઝન પોલીસનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે આવા કોઈ બનાવ અંગેની ફરિયાદ કે જાણ પોલીસ મથકમાં કરાઈ નથી પરંતુ આવી કોઈ ઘટના બની હશે તો તે અંગે પોલીસ તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...