ભાવનગર જિલ્લાના મહત્વપૂર્ણ શિપ રીસાયકલિંગ ઉદ્યોગની ક્ષમતા વધારવા માટે સમયાંતરે કરવામાં આવતી ઘોષણાઓ બે પૂંઠા વચ્ચે ઢબૂરાયેલી પડી છે. અલંગની બાજુના મથાવડા ગામે નવા શિપ રીસાયકલિંગ પ્લોટ વિકસાવવાની ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી)ની યોજના મૂર્તિમંત થઇ શકી નથી.
કેન્દ્રીય નાણામંત્રીએ બજેટ સ્પીચ દરમિયાન શિપ રીસાયકલિંગની ક્ષમતા વર્ષ 2024 સુધીમાં બમણી કરવાની ઘોષણા કરી હતી. બાદમાં અલંગની બાજુમાં મથાવડાના દરિયાકાંઠે 15 શિપ રીસાયકલિંગ પ્લોટ વિકસાવવાની વાતો વહેતી કરવામાં આવી હતી. બાદમાં રાજ્ય સરકારના બજેટ દરમિયાન મથાવડા ખાતે 45 શિપ રીસાયકલિંગ પ્લોટ બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. હોંગકોંગ કન્વેન્શનની આવશ્યક્તા મુજબના તમામ પ્લોટ બનાવવા માટેની જાહેરાત પણ કરવામાં આવી હતી, અને તેના થકી યુરોપીયન યુનિયન (ઇ.યુ.)ની માન્યતા આસાનીથી મળી શકે, પરંતુ આ દિશામાં કોઇ નક્કર કાર્યવાહી વર્ષ 2022ના અંતભાગ સુધીમાં થઇ શકી નથી.
અલંગ-સોસિયામાં ફાળવવામાં આવેલા શિપ રીસાયકલિંગ પ્લોટ આંગળીના વેઢે ગણી શકાય તેટલા પ્લોટ જ મોટા છે, બાકી બધા પ્લોટ નાના છે, ઇ.યુ.ની આવશ્યક્તા પ્રમાણેની સવલતો ઉભી કરવા માટે મોટા પ્લોટની જરૂરીયાત છે. હયાત પ્લોટનું એકત્રિકરણ કરી મોટા પ્લોટ બનાવવાની બાબત શક્ય જણાતી નથી, તેથી મથાવડામાં આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબના નવા શિપ રીસાયકલિંગ પ્લોટ બનાવવાની ઘોષણાઓ થઇ, કામગીરી આગળ ધપી શકી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.