ડોક્ટરો પર બેદરકારીનો આક્ષેપ:ભાવનગરમાં બીજા ગ્રુપનું લોહી ચડાવી દેતાં મહિલાનું મોત, કોરા કાગળમાં સહી લીધાનો આક્ષેપ

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગીતાબેન હસમુખભાઈ સોલંકી - મૃતક મહિલા. - Divya Bhaskar
ગીતાબેન હસમુખભાઈ સોલંકી - મૃતક મહિલા.
  • સરટી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાના મોતથી વિવાદ

ગારિયાધારના નાના વાવડી ગામેથી પ્રસૂતિ માટે આવેલી સગર્ભા મહિલાને ડિલિવરી બાદ ડોકટરો દ્વારા અન્ય ગ્રુપનું લોહી ચડાવી દેતાં મહિલાના મોતથી વિવાદ સર્જાયો છે. બીજી તરફ, મૃતક મહિલાના સગાએ ડોકટરો દ્વારા કોરા કાગળમાં સહી કરાવી લીધાનો પણ આક્ષેપ કર્યો છે.

મહિલાને પ્રસવ પીડા થતાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી
શહેરની સરટી હોસ્પિટલમાં ગત તા. 28/4ના રોજ ગારિયાધાર તાલુકાના નાની વાવડી ગામેથી સગર્ભા મહિલા ગીતાબેન હસમુખભાઈ સોલંકી (ઉં.વ.33)ને પ્રસવ પીડા થતાં પહેલા ગારિયાધાર સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમણે નોર્મલ ડિલિવરીમાં દીકરીને જન્મ આપ્યો હતો.

ગીતાબેનને અલગ બ્લડ ગ્રુપની 25થી 26 બોટલો ચડાવી દીધી
નોર્મલ ડિલિવરી બાદ આજે સવારે 8 કલાકે તેમનું સારવાર દરમિયાન મોત થતાં મહિલાનાં પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર આરોપો લગાવતાં જણાવ્યું હતું કે ગીતાબહેનને સારવાર માટે અહીં લાવ્યાં હતાં અને તેમની નોર્મલ ડિલિવરી થઈ હતી. ગીતાબેનનું બ્લડ ગ્રુપ A નેગેટિવ છે ,પરંતુ અહીં તેમને B નેગેટિવ બ્લડ ગ્રુપની 25થી 26 બોટલો ચડાવી દીધી હતી અને એને લીધે તેમને રિએક્શન આવવાથી તેમનું મોત થયું છે.

મારા બનેવીની કોરા કાગળમાં સહી લઈ લીધી: મૃતકના ભાઈ
મૃતકના ભાઈએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે દર્દીની સ્થિતિ ગંભીર છે એટલે જ્યાં સુધી આ કાગળમાં સહી નહીં કરો ત્યાં સુધી અમે દર્દીની નાડ પણ નહીં અડીશું, એવું કહી મારા બનેવીની કોરા કાગળમાં સહી લઈ લીધી હતી. આ મામલે મોડી રાત્રે સરટી હોસ્પિટલના ડીન બ્રહ્મભટ્ટ સાહેબે રૂબરૂ આવી પરિવારજનોને જવાબદાર સામે કાર્યવાહીની ખાતરી આપતા મૃતદેહ સ્વીકાર્યો હતો.

સારવાર યોગ્ય થઈ છે, સંબંધીની ગેરસમજો પણ દૂર કરી છે
દર્દીની મેડિકલ હિસ્ટ્રી તપાસ્યા બાદ પણ ડોક્ટરો દ્વારા બ્લડ ગ્રુપ ચકાસવામાં આવે છે અને તમામ ટેસ્ટ કરવામાં આવે છે. તેમના લોહીના તથા અન્ય તમામ રિપોર્ટ ત્રણ-ત્રણ વખત કઢાવી યોગ્ય પદ્ધતિએ સારવાર કરી છે. દર્દીના પરિવારના સભ્યોની ગેરસમજ પણ દૂર કરી છે. પોસ્ટમોર્ટમમાં હેમરેજના લીધે બ્લીડિંગ થયું હતું તથા દર્દીને અન્ય કોઈ ઈન્ફેક્શન હોય તો આવું થઈ શકે છે. મૃતદેહનું પેનલ પીએમ પણ કરવામાં આવશે. - ડો.જયેશ બ્રહ્મભટ્ટ, ડીન, સરટી હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...