તપાસ:કોરલ જહાજનો IMO કેમિકલથી ઘસ્યો તો અન્ય નંબર મળી આવ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • DRI દ્વારા હેરિએટ શિપના કેસમાં સતત 7મા દિવસે ઇન્વેસ્ટિગેશન
  • સી-ગોલ્ડન, કોરલ જહાજના ક્રૂ મેમ્બરોની પણ સતત તપાસ શરૂ

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવેલા 3 જહાજોના બોગસ દસ્તાવેજ, ખોટા IMO નંબર, સંદેશા વ્યવહારના સાધનો બંધ કરવા સહિતની શંકાસ્પદ પ્રવૃત્તિઓનું ષડયંત્ર આંતરરાષ્ટ્રીય હોવાથી તપાસનીશ એજન્સીઓ જીણવટભરી ચકાસણીઓ કરી રહી છે. હેરિએટ બાદ કોરલ જહાજનો પણ આઇએમઓ નંબર ખોટો હોવાનું એજન્સીઓને ધ્યાને આવ્યુ છે.

ગત શનિવારથી ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસ શુક્રવારે પણ યથાવત રહી હતી. કોરલ અને સી-ગોલ્ડનના ક્રૂ મેમ્બરોને ભાવનગર કસ્ટમ્સમાં લાવી અને જામનગર કસ્ટમ્સ પ્રીવેન્ટિવ ટીમ દ્વારા તેઓની પુછપરછ કરવામાં આવી રહી છે. તદ્ઉપરાંત કોરલ જહાજમાં હાલ દર્શાવવામાં આવેલા આઇએમઓ નંબરને કેમિકલ વડે ઘસવામાં આવતા તેની નીચેથી અન્ય નંબર મળી આવ્યો હોવાથી ઇન્ટેલિજન્સ એજન્સીઓ જહાજની ચકાસણી કરી રહી છે.

હેરિએટ જહાજની તપાસમાં જહાજના એજન્ટ, અંતિમ ખરીદનારની સતત પુછપરછ કરવામાં આવી રહી છે. મેલોડી જહાજનું નામ બદલાવીને પાતરા અને છેલ્લે હેરિએટ કરવામાં આવ્યુ છે અને અલંગમાં લાવવામાં આવ્યુ છે. એજન્સીઓને મેલોડી શિપના વજન અને હેરિએટમાં દર્શાવવામાં આવેલા વજન અંગે પણ શંકા છે, ઉપરાંત જહાજની વેચાણ કિંમત અંગેના સંદેશા વ્યવહારો પણ ખંગોળવામાં આવી રહ્યા છે.

ભાવનગર કસ્ટમ્સ હાઉસમાં કોરલ અને સી-ગોલ્ડનના ક્રૂ મેમ્બરોની તપાસ ચાલી રહી છે, તેમાં આઇએમઓ નંબર બદલાવવા માટે કોણે સુચના આપી હતી, કેવી રીતે બદલાવાયા, દસ્તાવેજોમાં શું તબદીલીઓ કરવામાં આવી છે, ક્યા ક્યા વિદેશી લોકોનો આ કેસમાં સામેલગીરી છે તે તમામ ચકાસણી ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય ષડયંત્રકારો દુબઇથી આવા પ્રકારના જહાજો વેચવાના કાળાકામમાં પ્રવૃત્ત છે અને તેમાં ભાવનગરના લોકો સંડોવાયા છે.

અન્ય સમાચારો પણ છે...