તાઉતે ઈફેક્ટ:મકાનોને નુકશાનની સહાય માટે સર્વેમાં વિસંગતતા

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આકારણી મુજબ વળતર અને નવા પરિપત્રમાં સંપૂર્ણ નાશ પામેલા તમામને રૂ.95,100 ની સહાય
  • મકાન સર્વેની આકારણી, દબાણોમાં તંત્ર મુંજાયું

તાઉ તે વાવાઝોડાને કારણે નુકસાન પામેલ મકાનોને ખાસ કિસ્સામાં સહાય આપવા સરકારે નિર્ણય કરી ત્વરિત સહાય ચુકવવા સર્વે પણ હાથ ધરાયો છે. પરંતુ તંત્રને પણ જુના પરિપત્ર મુજબ સર્વે પૂર્વે મકાનની આકારણી ધ્યાન પર લેવા, દબાણગ્રસ્ત મકાનોને સહાય અને દબાણો ખુલ્લા કરવા સહિતના અનેક પડકારો તંત્ર સમક્ષ આવ્યા છે.

તાઉ તે વાવાઝોડાથી થયેલા રહેણાંકને નુકશાન સામે વળતર આપવા સરકાર દ્વારા હાલમાં ભાવનગર જિલ્લામાં સર્વે ચાલી રહ્યો છે. તાત્કાલિક સર્વે પૂર્ણ કરવા હુકમો પર હુકમો અાપવામાં આવી રહ્યા છે. પરંતુ તેમાં પણ અનેક વિસંગતતા અને ગ્રાઉન્ડ લેવલની મુશ્કેલી તંત્રને પડી રહી છે.

વાવાઝોડાને કારણે રહેણાંકના કાચા પાકા મકાનોને સંપૂર્ણ અને આશિંક નુકશાનના અનેક કિસ્સા બન્યા છે.સરકારે માનવતાના ધોરણે ખાસ કિસ્સા તરીકે સહાય જાહેર કરી છે. જેમાં સંપૂર્ણ નાશ પામેલ અથવા મોટું નુકશાન પામેલ રહેણાંકના કાચા પાકા મકાનોને રૂ. 95,100ની સહાય અને અંશતઃ નુકશાન પામેલા મકાનોને રૂ. 25,000 ની સહાય તેમજ ઝૂંપડાઓને રૂ.10,000 ની સહાય ચુકવવાનો નિર્ણય કર્યો છે. જે સહાય ચુકવવા હાલમાં ગામે ગામ સર્વેની કામગીરી ચાલી રહી છે.

પરંતુ વર્ષ 2015 માં કરેલા પરિપત્રમાં મકાનના નુકસાનના સર્વે કરતા પહેલા આકારણીને ધ્યાનમાં લેવું ફરજીયાત છે.તો તે મુજબ તો મોટાભાગના મકાનોની આકારણી હાલમાં જાહેર કરેલી સહાયથી અનેક ગણી ઓછી હશે. તો કંઈ રકમને ધ્યાનમાં લેવો તે સર્વેની ટીમને પણ મુંજવે છે.

સર્વે માટે હુકમ થયો પરંતુ વાહનો ફાળવાયા નથી
નુકશાનીના વળતર માટે જરૂરીયાત મુજબ ખાનગી વાહનો ભાડે રાખવા જિલ્લા વિકાસ અધિકારીએ તા.20ના રોજ તાલુકા વિકાસ અધિકારીઓને હુકમ પણ કર્યો છે. પરંતુ આજ સુધી કોઈ તાલુકામાં સર્વે માટે વાહનો ફાળવાયા નથી.

ગેરકાયદેસર મકાનોને સહાય ખરી પણ ખાલી કોણ કરાવશે
ગેરકાયદેસર મકાનને પણ જો વાવાઝોડાને કારણે નુકસાન થયું હોય તો તેને પણ સહાય આપવામાં આવશે પરંતુ વળતર મળી જાય બાદ જમીન ખુલ્લી કરી આપવાની બાંહેધરી પણ તંત્રને મકાન માલિકે આપવાની રહેશે. જેને ખાલી કરાવવાની જવાબદારી તંત્રની રહેશે.

ગૌચરની જમીનમાં દબાણ ખુલ્લું કરાવવાની જવાબદારી ગ્રામ પંચાયતની અને સરકારી જમીનમાં મામલતદારની રહે છે. ત્યારે આટલા વર્ષો સુધી સરકારી સહિતની જમીનમાં દબાણો દૂર નહીં કરાવી શકનાર તંત્ર વાહકો હવે શુ ખુલ્લા કરાવી શકશે. જેથી તંત્ર પણ દબાણકર્તાઓને છાવરવા અને દબાણ ખુલ્લું કરવાની ઝંઝટમાંથી છુટકારો મેળવવા ગેરકાયદેસર મકાનોને નુકસાન જ દેખાડતા નથી.

અન્ય સમાચારો પણ છે...