તંત્રની સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ:કોર્પો.ના આંધળુકિયા - સોસાયટીની માલિકીના પ્લોટમાંથી કોર્પોરેશને કાઢ્યો ફ્લાય ઓવર

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરનો પ્રથમ ફ્લાય ઓવર પ્રથમથી જ વિવાદમાં, ફ્લાય ઓવરના કરેલા સર્વે અને માપણીમાં જ ગંભીર બેદરકારી
  • શહેરમાં દબાણ હટાવતા કોર્પોરેશને જ ખાનગી માલિકીના કોમન પ્લોટમાં જમીન સંપાદન વગર જમીનનો કર્યો વપરાશ, સરિતા શોપિંગ તોડવા નોટિસ આપતા ભોપાળુ બહાર આવ્યુ

જયેશ મકવાણા

​​​​​​​​​​​​​​ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરનો સર્વ પ્રથમ ફ્લાય ઓવર ભાવનગર રાજકોટ રોડ પર નિર્માણ કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા અનેક કરેલા સર્વે અને બનાવેલા ડીપીઆર બાદ શાસ્ત્રીનગર થી દેસાઈનગર સુધી ફ્લાય ઓવર બનાવવાનું કામ શરૂ કર્યું. પરંતુ જે તે સમયે તંત્ર દ્વારા કરેલી માપણી અને સર્વેમાં ગંભીર બેદરકારી રહી ગઈ હોય તેમ સરિતા સોસાયટીના ખાનગી માલિકીના સાર્વજનિક પ્લોટ પૈકીની અંદાજિત 18 થી 20 હજાર ચોરસફૂટ જમીન સંપાદન કર્યા વગર કોર્પોરેશન દ્વારા ફ્લાય ઓવર બનાવવામાં આવી રહ્યો છે. સરિતા શોપિંગ સેન્ટરના ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ઉછળતા ખુદ કોર્પો. દ્વારા ગેરકાયદેસર રીતે ફ્લાય ઓવરનું બાંધકામ થતું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

શહેરમાં ફ્લાય ઓવર બને તે માટે સત્તાધારી દ્વારા વર્ષોથી અનેક સર્વે કરાવ્યા હતા. અંતે ભાવનગર રાજકોટ રોડ પર ફ્લાય ઓવર બનાવવાનો નિર્ણય કર્યો હતો. જે માટે કોર્પોરેશને સર્વે કરાવે તત્કાલીન સમયે ડી.પી.આર. પણ બનાવરાવ્યો હતો. ભાવનગરનો પ્રથમ ફ્લાય ઓવર શરૂઆતથી જ વિવાદમાં સપડાયેલો છે. સરકારમાંથી ગ્રાન્ટ પણ મંજૂર કરાવી અને મંજુર થયેલા ટેન્ડર મુજબ વર્ક ઓર્ડર આપી શાસ્ત્રીનગર થી દેસાઈનગર પેટ્રોલ પંપ સુધી ફ્લાય ઓવર બનાવવાનું કામ શરૂ કર્યું. અને હાલમાં 50% જેટલું કામ પૂર્ણ કર્યું છે.

ફ્લાય ઓવરના કામમાં સરિતા સોસાયટીના શોપિંગ સેન્ટર અડચણરૂપ બનતા હોવાથી તત્કાલીન કમિશનર અને ચૂંટાયેલી પાખની સમજૂતીથી 11 ફૂટ દુકાનો તોડી નાખી અને કોર્પોરેશન દ્વારા કરાયેલી માપણી મુજબ દુકાનોનું રીપેરીંગ અને રીનોવેશન કર્યું હતું. પરંતુ શાસક પક્ષના જ આંતરિક વિખવાદને કારણે સરિતા શોપિંગ સેન્ટરના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે કોર્પોરેશન હરકતમાં આવ્યું. પરંતુ આ તમામ વિવાદો વચ્ચે ફ્લાય ઓવરનું બાંધકામ સરિતા સોસાયટીના પ્લોટ નંબર 1માં અંદાજે 42 ફુટ પહોળાઈ અને 200 ફૂટ લંબાઈની જગ્યામાં કર્યું હોવાનું બહાર આવ્યું છે.

તેમજ સરીતા શોપિંગની પહેલા કોર્પોરેશન દ્વારા બનાવેલ રોડ સહિત અંદાજે 12000 ચો.ફૂટ સરિતા સોસાયટીની માલિકીની જગ્યામાં ઓવરબ્રિજનું બાંધકામ થતું હોવા છતાં કોર્પોરેશન પણ તેનાથી અજાણ રહ્યું. જમીન સંપાદન કર્યા વગર સરિતા સોસાયટીની માલિકીની જગ્યામાં ગેરકાયદેસર રીતે ફ્લાય ઓવરનું નિર્માણ કરી રહ્યા હોવાનું બહાર આવતા હવે કોર્પો.ની સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ થઈ છે.

જમીન સંપાદન કરે તો 8 કરોડ વળતર ચૂકવવું પડે
સરિતા સોસાયટીની માલિકીના પ્લોટ નંબર 1 અને 2માં કોર્પોરેશન દ્વારા ફ્લાય ઓવરનું બાંધકામ જમીન સંપાદન કર્યા વગર કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા જો કાયદેસર રીતે આ જમીન સંપાદન કરે તો શોપિંગ સેન્ટરની સામેની જ જમીનના અંદાજે આઠેક કરોડ જેટલી રકમ સરિતા સોસાયટીને ચૂકવવી પડે.

પ્રાથમિક દ્રષ્ટિએ સાર્વજનિક જગ્યા
સરિતા શોપિંગ સેન્ટરના દુકાનદારો દ્વારા રજૂ કરાયેલા ડોક્યુમેન્ટમાં 42 ફૂટ જગ્યા ફ્લાય ઓવરના નિર્માણમાં વપરાશ થતી હોવાની રજૂઆત છે. પ્રથમ દ્રષ્ટિએ સાર્વજનિક જગ્યામાં નિર્માણ થતું હોવાનું જણાય છે. પરંતુ ફાઇનલ ચકાસણી બાદ જ વાસ્તવિકતા ખબર પડે. કાર્યવાહી શરૂ છે. > એન.બી. વઢવાણિયા, ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર

સરિતા સામે 4 પિયર અને કેપનું બાંધકામ
ફ્લાય ઓવરના બાંધકામમાં કુલ 78 પિયર અને પિયર કેપ પૈકી સરિતા શોપિંગ સેન્ટર સામે 4 પિયરનું બાંધકામ કરાયું છે. તે જગ્યા પર 16.5 મીટરનો ફોર ટ્રેક બનાવવામાં આવશે. હાલમાં કુલ ફ્લાય ઓવરના બાંધકામ પૈકી 50% જેટલું કામ પૂર્ણ થયું છે.> રવિરાજસિંહ લિંબોલા, કાર્યપાલક ઇજનેર રોડ વિભાગ

નિયત જગ્યાના અભાવે 9 મીટરના સર્વિસ રોડની પણ થશે મુશ્કેલી
ભાવનગર રાજકોટ રોડ પર બની રહેલો ફ્લાય ઓવર સાપસીડી જેવો વાંકોચુકો બની ગયો છે. અગાઉ ડાયવર્ઝન માટે રેલવેની જમીનનો પણ વિવાદ ઊભો થયો હતો. ત્યારે હવે ફ્લાય ઓવરની વચ્ચે નિયત જગ્યા નહીં મળતી હોવાને કારણે 9 મીટરનો સર્વિસ રોડ પણ મળવો મુશ્કેલ છે. જેથી કદાચિત હજુ પણ ડિઝાઇનોમાં ફેરફાર થવાની શક્યતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...