ભાવનગર જિલ્લાની મૂળ રાજધાની સિહોરના જૂના દરબારગઢમાં આવેલ ભીંતચિત્રો એક ઐતિહાસિક અનોખું મહત્વ ધરાવે છે. ભાવનગરમાં ગોહિલ કુળની રાજધાની હતી તે પહેલાં સિહોર રાજધાનીનું શહેર હતું. સિહોરમાંથી ભાવનગર રાજધાની નામ મહારાજા શ્રી ભાવસિંહજી ગોહિલ (પહેલાં) ઇ.સ.1723માં અક્ષય તૃતીયાના શુભ દિને "વડવા" ગામ પાસે "ભાવનગર" નામ આપી પાટનગરનો પાયો નાખ્યો. મૂળ રાજધાની ઉમરાળાથી ફેરવી 16મી સદીમાં વિસાજી ગોહિલે સિહોરમાં રાજધાની ફેરવી હતી. આપણે અહીં સિહોરના દરબારગઢમાં આવેલ ભીંતચિત્રોનો પરિચય કરવો છે.
સિહોરના જૂના દરબારગઢની દીવાલો ઉપર આવેલ ભીંતચિત્રો નામ. મહારાજા આતાભાઇ ચિતલ સાથેની લડાઇમાં વિજયની યાદગીરીરૂપે ઇ.સ.1793થી 1795 આસપાસ આલેખન થયાનું અનુમાન છે.
આ ચિત્રો કચ્છી "કમાંગરી" ચિત્ર શૈલીથી કુદરતી નૈસર્ગિક પદાર્થો વાપરી કરેલા રંગોથી જળરંગ (પાણી કલર)થી કરેલ છે. આ ચિત્રોને રાજયના પુરાતત્વ ખાતાએ રક્ષિત જાહેર કરેલ છે. મુ.શ્રી રવિશંકરભાઇ રાવલે " શિલાવત" શૈલીના હોવાનું જણાવેલ.
સિહોર દરબારગઢના ભીંતચિત્રોમાં ચિતલની લડાઇની વિજયગાથા છે. એક ચિત્રમાં નામ ઠાકોર વખતસિંહજી આતાભાઇ પોતાની શ્વેત ઘોડી "સિંહુન" ઉપર વિજય સવારી કરે છે. તેની સાથે લાઠી ઠાકોર વિ.નજરે પડેછે. આમ બીજી દીવાલે રાજકુમાર બાપાજીરાજ હાથી ઉપર દેખાય છે. આ પ્રકારે જુદા-જુદા પ્રસંગોના ભાયાતો તથા લશ્કરી અમલદારોના ભીંતચિત્રો છે.
આ ભીંતચિત્રો તથા તે જયાં આવેલ છે તે જૂના દરબારગઢના મકાનની સંબંધિત સરકારી ખાતાઓ તરફથી પૂરી જાળવણી થતી નથી. સને-1940 આસપાસ ચિત્રોને જાળવવા તેલરંગ પૂરી પ્રયત્ન કરેલ,પરંતુ તે કારગત નીવડેલ નથી.
સિહોરની "ધરોહર" જેવા આ ભીંતચિત્રો તથા મકાનની યોગ્ય જાળવણીના અભાવે આવતા સમયમાં નામશેષ થઇ જશે તેમ લાગે છે. તો સંબંધિત સરકારી તંત્ર તેની સમયસર કાળજી લે તે જરૂરી છે.
આમ તો સિહોરમાં આ ભીંતચિત્રો ઉપરાંત બ્રહ્મકુંડ (સિધ્ધરાજ જયસિંહ) સાત શેરી, ગૌતમેશ્વર મહાદેવ, નવનાથના મંદિરો તેમજ ક્રાંતિકારી વીર નાના સાહેબ પેશ્વાના ગુપ્ત નિવાસસ્થાન સહિતના કેટલાય ઐતિહાસિક સ્થળો હયાત છે. સિહોર નજીકમાં જ "ખોડિયાર માતાજી"નું સુપ્રસિધ્ધ મંદિર છે. આ તમામની યોગ્ય જાળવણી અને વિકાસ થાય તો સિહોર એક આદર્શ પર્યટન સ્થળ યાત્રાધામ તરીકે વિકાસ થાય તેમ છે. અત્રે અહીં એ હકીકતની સુખદ નોંધ લેવી પડે કે ગુજરાતી બૃહદ શબ્દકોશ "ભગવદ ગોમંડલ"માં સિહોરની "સિહંપુર ઉર્ફે સિહોર"ના ઐતિહાસિક તથ્યો સાથેની હકીકતો સાથે વિગતવાર નોંધ બે જગ્યાએ લીધેલ છે.
સિહોરમાં રાજયકર્તાઓની તવારીખ
દરબારગઢના ભીંતચિત્રો બની શકે છે એક નજરાણું
દરબારગઢમાં દીવાલો પર ચીતરેલા ભીંતચિત્રો કલાકારીગરીનો ઉત્તમ નમૂનો છે. જો તેની યોગ્ય જાળવણી થાય તો પ્રવાસીઓ માટેનું એક ઉત્તમ નજરાણું બની શકે તેમ છે. અહીં એક મ્યુઝિયમ પણ તૈયાર કરી શકાય તેવી તમામ અનુકૂળતાઓ છે. કચ્છથી આવેલા કલાકારોએ ચિત્રણશૈલીમાં સત્તરમીથી ઓગણીસમી સદીના દેવમંદિરો, મહેલો,ઉતારાઓ વગેરેના ભીંતચિત્રો અને પોથીના પાઠચિત્રો તૈયાર કર્યા હતા. ભાવનગર રાજધાની ખસેડાયા બાદ વખતસિંહજીના સમયમાં આલેખન થયું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.