તંત્ર સમક્ષ ખુલાસો:ભાવનગરના ચિત્રા GIDCમાંથી સરકારી અનાજનો જથ્થો ભરેલો બિનવારસી ટ્રક મળી આવ્યો

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી ગોડાઉનની પ્રિમાઇસિસમાંથી રાત્રે ચોરી થઇ હોવાનું સપ્લાય એજન્સી દ્વારા તંત્ર સમક્ષ ખુલાસો
  • પંચર પડતાં ટ્રક છોડી ચાલક ફરાર

શહેરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાંથી આજે વહેલી સવારે પંચર પડી ગયેલી હાલતમાં સરકારી અનાજ ભરેલો ટ્રક બિનવારસી હાલતમાં મળી આવતા પુરવઠા વિભાગ દોડતું થયું હતું. જોકે આ ટ્રકની ચોરી થયેલી હોવાનું સપ્લાય એજન્સી દ્વારા તંત્ર સમક્ષ ખુલાસો કરવામાં આવ્યો છે.

શહેરના ચિત્રા જીઆઇડીસી માં થોડા સમય પૂર્વે જ આટા મીલ માં સરકારી અનાજના જથ્થાની શંકાના આધારે પુરવઠા વિભાગે દરોડો પાડયો હતો અને બિનહિસાબી જથ્થો મળી આવ્યો હતો ત્યાં આજે વહેલી સવારે ચિત્રા જીઆઇડીસી માંથી સરકારી અનાજ નો જથ્થો ભરેલો બિનવારસી ટ્રક મળી આવ્યો હતો.

ટ્રક માં પંચર પડ્યું હોવાથી સ્થળ પર છોડી ચાલક ફરાર થઈ ગયો હતો. આ બાબતની જાણ થતાં પુરવઠા વિભાગના અધિકારીઓ સ્થળ પર જઇ તપાસ હાથ ધરી હતી. સરકારે ગોડાઉનમાંથી ચોખાના જથ્થો ભરેલો ટ્રક આ રીતે બિનવારસી રસ્તા પર મળી આવતા અનેક શંકા-કુશંકાઓ થઇ હતી.

બિનવારસી સરકારી અનાજના જથ્થાના મળી આવવા બાબતે પુરવઠા વિભાગ સમક્ષ અનાજનો જથ્થો સપ્લાય કરતી એજન્સી દ્વારા ગઈકાલે રાત્રે સરકારી ગોડાઉનની પ્રિમાાઇસિસમાંથી ટ્રકની ચોરી થઇ હોવાનું જણાવી તે સંદર્ભે એજન્સી દ્વારા પોલીસમાં અરજી આપેલી હોવાનું પણ જણાવાયું હતું. જોકે, મોડી સાંજ સુધી આ સંદર્ભે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. જ્યારે બીજી તરફ પુરવઠા વિભાગ દ્વારા તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો અનેક ની નીચે રેલો આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...