લોકોમાં ભય:જૂના સિહોરમાં રાત પડે અઘોષિત કરફ્યુ જેવો માહોલ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોરેસ્ટ વિભાગે દીપડાને પકડવા માટે બે-બે પિંજરા તો મુક્યા છે છતા પણ સફળતા મળતી નથી
  • સિહોરી માતાના ડુંગર બાદ રહેણાંકી વિસ્તારોમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભય

લાંબા સમયથી સિહોરના ડેલાની અંદરના વિસ્તારોમાં રાત પડે અને કરફ્યુ જેવો માહોલ સર્જાય જાય છે. લોકો પોતાના નિયત કામધંધા વહેલા આટોટી લઇ ઘરમાં કેદ થઇ જાય છે. લાંબા સમયથી સિહોરની ડુંગરગાળીમાં દીપડાના પરિવારે પડાવ નાંખ્યા છે. આ દીપડા હવે સિહોરના રહેણાંકી વિસ્તારોના રસ્તા પર રાત્રે ઉતરી આવે છે તેથી નગરજનોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે.

સિહોરી માતાના ડુંગરમાં દીપડાનો પરિવાર આંટાફેરા મારી રહ્યો હતો, બાદમાં મકાતનો ઢાળ, રાજગોર શેરીની ઉપરવાસનો વિસ્તાર, પ્રગટનાથનો ઢાળ, ગાૈતમેશ્વર તરફની ડુંગરગાળીમાં સમયાંતરે જોવા મળી રહ્યા છે. મોડી રાત્રિના સુમારે જ્યારે નગર સુમસામ ભાસી રહ્યું હોય છે ત્યારે દીપડાનો પરિવાર શિકારની શોધમાં નિકળે છે.

દીપડાએ રહેણાંકી વિસ્તારોમાં આંટાફેરા શરૂ કરતા નગરજનો ફફડી ઉઠ્યા છે, શેરીઓમાં અને યુવાનોના ગ્રુપ લાકડી સાથે રાત્રિ પહેરો ભરે છે. દીપડાનો પરિવાર મોટા ભાગે શ્વાન, ગલુડીયાના શિકાર કરે છે, તેથી તેના આગમન પૂર્વે શ્વાન ઉંચા અવાજે ભસવા લાગે છે, અને યુવાનો તે દિશામાં દોડી જાય છે. શેરીઓમાં શ્વાન ભસવાના અવાજ વધવા લાગતા જ નાગરિકો ફફડી ઉઠે છે. જે લોકોના ઘર ડુંગરગાળી નજીક આવેલા છે, તેઓને ખુબ જ ડર પેસી ગયો છે.

ફોરેસ્ટ વિભાગે દીપડા પરિવારને જબ્બે કરવા માટે બે પિંજરા તો મુક્યા છે, પરંતુ હજુ સુધી તેઓને સફળતા હાથ લાગી નથી.દીપડાના ડરથી રાત પડે અને શ્વાન પરિવાર તેઓના ગલુડીયા સાથે સલામત સ્થળની શોધમાં નિકળી પડે છે, અને વાહનો, શેરીઓની અવાવરૂ જગ્યાઓમાં આશરો લે છે.

જૂના સિહોરના જે વિસ્તારોમાં દીપડાના આગમનની ખબર મળે છે કે તરત જ યુવાનોનું ટોળુ લાકડીઓ સાથે સંભવિત સ્થળોએ પહોંચી જાય છે. અને અન્ય શેરીઓને ચેતવણી આપવા માટે થાળીનાદ કરવામાં આવે છે. યુવાનો એક-બીજી શેરીઓ સાથે રાત્રિના સમયે મોબાઇલથી સતત સંપર્કમાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...