રિએકશન:બેરોકટોક ચાલતા દારૂના અડ્ડા અંગે ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ખુલ્લી ચર્ચા

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખુદ ભાજપના કાર્યકરોએ જ દારૂની બદી સામે સોશિયલ મિડીયામાં ઠાલવ્યો રોષ
  • લઠ્ઠાકાંડના વિવાદને કારણે ચાર દિવસ કામગીરી ચાલશે પછી લોકો ને તંત્ર પણ ભૂલી જશે વડલા પછી, સરદારનગર, બોરતળાવ સહિત દારૂના સ્ટેન્ડ ક્યાં ક્યાં ચાલે છે તેની માહિતી ગ્રુપમાં મૂકી

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ વેચાતા દારૂને કારણે બનેલા લઠ્ઠાકાંડ જેવા ગંભીર બનાવ બાદ સરકાર અને પોલીસ તંત્ર તો જાગ્યું છે પરંતુ ખુદ સત્તાધારી ભાજપ પક્ષના કાર્યકરો પણ દારૂની બદી સામે સોશિયલ મીડિયામાં સામી છાતીએ આવ્યા છે. ભાવનગર શહેર ભાજપના વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોએ દારૂના અડ્ડાના સરનામા સાથે રોષ ઠાલવતા રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાસ્પદ બન્યું છે.

લઠ્ઠાકાંડમાં અનેક લોકોના મોત બાદ રાજકીય પક્ષોએ નિવેદનબાજીઓ કરી લઠ્ઠાકાંડમાં રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કર્યો છે. સરકારની ગંભીર બેદરકારીને ઢાંકવાનો શાસક પક્ષ ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જ્યારે આપ અને કોંગ્રેસ દ્વારા ખુલ્લેઆમ સરકાર અને પોલીસ પર હપ્તાબાજીના આક્ષેપો કર્યા છે.

પરંતુ આ દારૂના દુષણ સામે ભાજપના કાર્યકરોને પણ નારાજગી હોય તેમ ગઈકાલથી ભાવનગર શહેર ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ખુદ કાર્યકરોએ જ ભાવનગર શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ સામે અને પોલીસની મીઠી નજરની ગંભીર ટીકા કરી છે. શહેરના ગઢેચી વડલા પછીના વિસ્તારમાં, બોરતળાવ વોર્ડમાં અને સરદારનગર ખાતે ચાલતા દારૂના હાટડા સામે રોષ ઠાલવ્યો છે.

જેમાં પણ દારૂના અડ્ડા બંધ કરાવવા અરજીઓ આપી હોવા છતાં આજ સુધી અડ્ડાઓ બંધ નહીં થયા હોવાની નારાજગી તેમજ લઠ્ઠાકાંડના વિવાદને કારણે ચાર દિવસ કામગીરી ચાલશે પછી તંત્ર અને લોકો પણ ભૂલી જતાં હોવાની દિલગીરી વ્યક્ત કરી હતી.

વોટ્સએપ ગ્રુપમાં પાર્થભાઈ દવે, લાલાભાઈ અને ગૌરાંગ ભટ્ટ સહિતનાએ દારૂની બદી સામે જાગૃતતા દેખાડી હતી જ્યારે અન્ય કાર્યકરોએ જગજાહેર ચાલતા હાટડા સામે મૌન ધારણ કર્યું હતું. ભાજપ સત્તાધારી પક્ષ હોવાને કારણે પક્ષના કાર્યકરો પણ સરકારની આ ગંભીર બેદરકારીને સમજી શકે છે પરંતુ સામે આવી શકતા નથી. તેઓએ હૈયાવરાળ સોશિયલ મીડિયા થકી ઠાલવી હતી.

અન્ય સમાચારો પણ છે...