તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસનો શિકાર:વહેલી સવારે શૌચક્રિયા માટે જઈ રહેલા વૃદ્ધ પર દીપડાએ હુમલો કરતા ઘટના સ્થળે મોત થયું

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા ખૂંટવડા ગામે દીપડાએ વૃદ્ધને મારી નાખતા ચરચાર મચી

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે છેલ્લા ઘણા સમયથી સાવજ, દીપડા જેવા પશુઓ માનવ વસાહતમાં આવી ચડે છે. અને ગ્રામજનો તથા માલધારીઓના દૂધાળા પશુઓ પર હુમલા કરી ઘણાં ખરાં કિસ્સામાં મોત પણ નિપજાવે છે. જેમાં મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે વહેલી પરોઢે ગામથી થોડે દૂર શૌચાલય જઈ રહેલા વૃદ્ધ પર દીપડાએ હુમલો કરી વૃદ્ધને ગંભીર ઈજા પહોંચાડતા વૃદ્ધે ઘટના સ્થળે દમ તોડ્યો હતો.

ગંભીર ઈજાને પગલે વૃદ્ધનું ઘટના સ્થળે મોત નિપજ્યું

આજે વહેલી પરોઢે મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે રહેતા 70 વર્ષીય વૃદ્ધ ભાણાભાઈ ચિથરભાઈ બારૈયા ગામની સીમમાં શૌચક્રિયા માટે જઈ રહ્યાં હતાં. તે સમયે ગામથી થોડે દૂર દીપડાએ વૃદ્ધ પર હુમલો કર્યો હતો. અને ગંભીર ઈજા પહોંચાડી નાસી છુટ્યો હતો. આ બનાવની જાણ લોકોને થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને વૃદ્ધને તપાસતા ગંભીર ઈજાને પગલે વૃદ્ધનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

વનવિભાગને જાણ કરતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

આ અંગે મોટા ખૂંટવડા પોલીસ તથા વનવિભાગને જાણ કરતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે સીએચસી સેન્ટરમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે વનવિભાગના આર.એફ.ઓ આર.આર.ચૌહાણ, ફોરેસ્ટર એસ.બી.ભરવાડ, બીટગાર્ડ જે.પી. જોગરાણા, વી.જી.વાઘેલા, જે.પી.ચૌહાણ, સી.એસ.ભીલ, મતાબેન, જયશ્રીબેન, મકાભાઈ, અમિતભાઈ દ્વારા પિંજરા ગોઠવીને વન્ય પ્રાણીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.

સૂર્યાસ્ત બાદ કરફ્યુ જાહેર થયું હોય એવો માહોલ

પશુઓના કુદરતી આશીયાના છીનવાતા અને વગડા-જંગલોની જગ્યાઓ ઘટતી જતી હોવાનાં કારણે હિંસક પશુઓનો માણસો સામે અવારનવાર આમનો- સામનો થઈ જાય છે. મહુવા તાલુકાના મોટા ખૂંટવડા, આંગણકા, પઢીયારકા, જાંબુડા ડુંગરપર, બેડા, માતલપર, કરમદીયા સહિતના ગામોમાં સૂર્યાસ્ત બાદ સીમ વગડે કરફ્યુ જાહેર થયું હોય એવો માહોલ સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...