હિટ એન્ડ રન:ભાવનગરના બુધેલ પાસે આઈસર ચાલકે બાઈક સવાર યાવનોને અડફેટે લીધા, એકનું મોત; એક ઘાયલ

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજપરાથી તગડી તરફ જઈ રહેલા બિહારી યુવાનોને અજાણ્યા આઈસર ટેમ્પાનો ચાલક અડફેટે લઈ ફરાર

ભાવનગર-તળાજા હાઈવે પર બુધેલ ગામ નજીક એક બાઈક સવાર પરપ્રાંતિય યુવાનોને આઈસર ટેમ્પાના ચાલકે અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલ બાઈક ચાલકે ઘટના સ્થળે દમ તોડ્યો હતો. જયારે પાછળ બેસેલા યુવાનને ઈજાગ્રસ્ત હાલતે સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સમગ્ર બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા ગામે આવેલ ડી.કે એગ્રો ઈન્ડસ્ટ્રીઝમા મજૂરી કરતાં અને મૂળ બિહારનાં વતની તથા હાલ તગડી ખાતે રહેતા મિન્ટુ કુમાર દુર્ગ મહંતો ઉ.વ.18 તથા ઠગઈ છઠુ મહંતો ઉ.વ.32 રાજપરાથી બાઈક નં-જી-જે-03-બીઈ-2624 લઈને તગડી ગામ તરફ આવી રહ્યાં હતાં તે વેળાએ બુધેલ ગામે બુધેલ ચોકડી પાસે ભાવનગર તરફથી આવી રહેલ અજાણ્યા આઈશર ટેમ્પોના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને બેફિકરાઈ પૂર્વક ચલાવી બાઈક સવાર યુવાનોને અડફેટે લઈ નાસી છુટ્યો હતો.

બાઈક સવાર બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી જેમાં બાઈક ચાલક મિન્ટુ કુમારને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જયારે ઠગઈ છઠુ મહંતોને ગંભીર હાલતે સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે કંપનીના મેનેજરે વરતેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આઈશર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...