ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇ કાલે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. ગત વર્ષે કોરોના કાળ હોય ગત વર્ષે રાજ્યમાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતુ અને સૌ કોઇ વિદ્યાર્થીઓને ખોબલે ખોબલે ટકાવારી અપાઇ હતી.
આમ છતાં ગત વર્ષની તુલનામાં ભાવનગર જિલ્લામાં આ વર્ષે 61થી વધુ ટકા મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 9838 છે. ગત વર્ષે 2021માં માસ પ્રમોશન અપાયું તે પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ વિદ્યાર્થીઓની સંખ્યા 7532 હતી. આમ, ભાવનગરમાં સામાન્ય પ્રવાહમાં પાસ થનરા વિદ્યાર્થીઓની સંખ્યા ભલે ઘટી હોય પણ ગુણવત્તાધારી વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
2021ના પરિણામ મુજબ કુલ 7532 વિદ્યાર્થીઓને બી-2થી લઇને એ-1 ગ્રેડ એટલે કે 61 ટકાથી વધુ ટકાવારી આવી હતી. જ્યારે આ વર્ષે 2022માં લેવાયેલી પરીક્ષામાં કુલ 9838 વિદ્યાર્થીઓને બી-2થી લઇને એ-1 ગ્રેડ એટલે કે 61 ટકાથી વધુ ટકાવારી આવી છે. 2021ના વર્ષની તુલનામાં આ વર્ષે ધો.12 સામાન્ય પ્રવાહમાં ભાવનગર જિલ્લામાં 61 ટકાથી વધુ ટકાવારી મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓની સંખ્યામાં 2306નો જબ્બર વધારો નોંધાયો છે.
ગત વર્ષની તુલનામાં આ વર્ષે તેજસ્વી છાત્રો
ગ્રેડ | 2022 | 2021 | વધઘટ |
એ-1 | 151 | 131 | 20 |
એ-2 | 2113 | 529 | 1584 |
બી-1 | 3935 | 2242 | 1693 |
બી-2 | 3639 | 4630 | -991 |
કુલ | 9838 | 7532 | 2306 |
ભાવનગરનો રાજ્યમાં પાંચમો ક્રમ
જિલ્લો | ટકાવારી |
ડાંગ | 95.41 ટકા |
દીવ | 94.75 ટકા |
બોટાદ | 93.87 ટકા |
બનાસકાંઠા | 93.65 ટકા |
ભાવનગર | 93.09 ટકા |
સીએ અને સીએસ સહિતના કોર્સનો ક્રેઝ જળવાઈ રહેશે
અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ બીકોમનો કોર્સ સૌથી લોકપ્રિય કોર્સ બની રહેશે. અલબત્ત બીબીએના કોર્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સવિશેષ વધારાની શક્યતા છે. એમએસસી (આઈટી)માં પ્રવેશ મેળવવાનો ઝોક જળવાઈ રહેશે. જ્યારે બીસીએ અને ઈન્ટિગ્રેટેડ એમસીએના કોર્સમાં પ્રવેશનો ઝોક ઘટવાની શક્યતા છે. સીએ, સીએસ, કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટ જેવા પ્રોફેશનલ કોર્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા જળવાઈ રહે તેવી શક્યતા છે. સાથે આ વર્ષે પણ સીએફએ, સીએફપી સહિતના કોર્સ તરફ વિદ્યાર્થીઓનો ઝોક રહે તેવી શકયતા છે.
80થી 90 ટકા મેળવનાર વધ્યા
આ વર્ષે ભાવનગર જિલ્લામાં 80 થી 90 ટકા મેળવનારાની સંખ્યામાં જબ્બર વધારો થયો છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે A2 ગ્રેડ મેળવનારની સંખ્યામાં 1584નો વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.