કામગીરી:અલંગ યાર્ડમાં માત્ર આઠ જ વર્ષ જૂની ઓઇલ રિંગ ભંગાણાર્થે આવી પહોંચી

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવેમ્બરમાં બે ઓઇલ રિગ તદ્દન નવી હાલતમાં ભંગાવા માટે આવી
  • ઓઇલ રિગને ખેંચીને અલંગ સુધી લાવવાની કામગીરી અતિ મુશ્કેલ

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પ્રતિ માસ અવનવા જહાજો ભાંગવા માટે આવી પહોંચતા હોય છે. આ શ્રેણીમાં માત્ર 8 વર્ષ જૂની ઓઇલ રિગ અલંગમાં ભંગાણારથે આવી પહોંચી છે. અગાઉ ચાલુ માસમાં વધુ એક નવી ઓઇલ રિગ પણ અલંગમાં આવી હતી.

પ્લોટ નં.81-એમ (શ્રીરામ શિપિંગ પ્રા. લિ.) ખાતે તા.12મી નવેમ્બરના રોજ 12196 ટનની ઓઇલ રિગ ભંગાવા માટે આવી પહોંચી છે. ઓઇલ સંશોધન ક્ષેત્રે ટેકનોલોજીમાં આવી રહેલી સતત તબદીલીઓને કારણે જૂની ટેકનોલોજીની રિગ ભંગાવા માટે મોકલી દેવામાં આવે છે. અલંગના પ્લોટ નં.81-એમમાં વર્ષ 2013માં ચીન ખાતે બનાવવામાં આવેલી ઓઇલ રિગ એમ.વી.બાસડ્રિલ બેટાને લાવવામાં આવી છે. આ અંગેની વિગતો આપતા શ્રીરામ ગ્રુપના ચેરમેન મુકેશભાઇ પટેલે જણાવ્યુ હતુકે, સામાન્ય પ્રકારના જહાજથી ઓઇલ રિગ ભાંગવાનું કામ લાંબુ ચાલે છે, તેને કાંઠા સુધી ખેંચી લાવવાનું કામ પણ ખૂબ જ મુશ્કેલ હોય છે.

2જી નવેમ્બરના રોજ પ્લોટ નં.વી-2 હૂગલી શિપ બ્રેકર્સ ખાતે વર્ષ-2011માં દક્ષિણ કોરિયા ખાતે બનાવવામાં આવેલી 36453 મે.ટન વજન ધરાવતી ઓઇલ રિગ એમ.વી. ટાઇટેનિયમ એક્સપ્લોર પણ પોતાની અંતિમ સફરે આવી પહોંચી હતી. હજુ પણ મોટી સંખ્યામાં રિગ આવી રહી છે.

શિપિંગ ક્ષેત્રના નિષ્ણાંત પ્રણય વોરાના જણાવ્યા પ્રમાણે આવા પ્રકારની ઓઇલ રિગને તેના સ્થળથી અલંગ સુધી લાવવાનું કામ અતિ મુશ્કેલ હોય છે, અને અલંગમાં પ્લોટ સુધી પહોંચાડવા માટે પણ વિશેષ સાવચેતીઓ રાખવી પડતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...