રાજ્યમાં બંદરોનું સંચાલન કરી રહેલા ગુજરાત સરકાર હસ્તકના ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી)ના અગત્યના તમામ પદ, બંદરો માત્ર ઇન્ચાર્જથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. મહત્વના ખાલી પદો અને ઇન્ચાર્જ અધિકારીઓને કારણે દૈનિક કામગીરીઓ વિક્ષેપિત થઇ રહી છે. ગુજરાતમાં જીએમબી હસ્તકના બેડી, ભાવનગર, દહેજ, જાફરાબાદ, મગદલ્લા, માંડવી, નવલખી, ઓખા, પોરબંદર, વેરાવળ જેવા બંદરો. પિપાવાવ, મુંદ્રા, દહેજ, હજીરા જેવા ખાનગી બંદરો, 30 કેપ્ટિવ જેટી, અલંગ શિપબ્રેકિંગ યાર્ડ સહિતનો કાર્યભાર જીએમબી હસ્તક છે.
10 બંદરો વચ્ચે માત્ર 3 પોર્ટઓફિસર (પાઇલોટ) મોજુદ છે. જેમાં કેપ્ટન રાકેશ મિશ્રા, ભાવનગર બંદર અને અલંગ શિપબ્રેકિંગ યાર્ડ. કેપ્ટન એ.કે.મિશ્રા જાફરાબાદ, પોરબંદર, વેરાવળ અને ઓખા બંદર સંભાળે છે. જ્યારે કેપ્ટન બંસીવા લાડવા મગદલ્લા, દહેજ જેવા નોન-પાઇલોટેજ પોર્ટ સંભાળી રહ્યા છે. તાજેતરના ઘટનાક્રમમાં કેપ્ટન કુલદીપસિંઘ અને કેપ્ટન નિરજ હિરવાણીએ રાજીનામુ આપી દીધુ છે.પોરંબદર, ભાવનગર, ઓખા, જામનગર, નવલખી પોર્ટ પર પાઇલોટના દરિયાઇ જ્ઞાન વડે આઉટર એન્કરેજથી આયાત-નિકાસના જહાજોને બર્થ ઉપર, એન્કરેજ ઉપર લાવવા-લઇ જવામાં આવે છે.
એક તરફ પોઇલોટની ભારે તંગી અનુભવી રહેલા જીએમબીના કેપ્ટન બંસીવા લાડવાને મગદલ્લા, દહેજ જેવા નોન પાઇલોટેજ પોર્ટ આપવામાં આવેલા છે. લાડવાને નવલખી, ઓખા, જામનગર જેવા પાઇલોટેજ પોર્ટ પર મુકી તેઓની કાર્યક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરી શકાય, જ્યારે મગદલ્લા, સુરત, દહેજ જેવા નોન પાઇલોટેજ પોર્ટ પર જીએમબીના કોઇ કુશળ, અનુભવીને પોર્ટ ઓફિસર તરીકે નીમી શકાય તેમ છે.જીએમબીના સૌથી ટોચના અધિકારી અવંતિકાસિંઘ સીઓઓ-વીસીને લાંબા સમયથી મુખ્યમંત્રી કાર્યાલયમાં ખસેડી અને જીએમબીનો ચાર્જ તેઓને સોંપવામાં આવેલો છે. મુખ્યમંત્રી કાર્યલયના વ્યસ્ત કાર્યભારને કારણે અવંતિકાસિંઘ જીએમબીને પુરતો ન્યાય આપી શક્તા નથી, તેના કારણે જીએમબીના મહત્વના નિર્ણયોમાં સુસ્તતા વ્યાપી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.