સ્ટેન્ડો બંધ કરવા માગ:ભાવનગર શહેરમાં દારૂની પોટલીના ભાવ ડબલ ફ્રી ડિલિવરીની પણ સુવિધા

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લઠ્ઠાકાંડ બાદ મોટાભાગના દારૂના સ્ટેન્ડ બંધ
  • ચિત્રા - કુંભારવાડામાં દર 500 મીટરે એક સ્ટેન્ડ ચાલતું, હવે આ સ્ટેન્ડ ફરી શરૂ ન થાય તેવી માંગ

બોટાદના લઠ્ઠાકાંડ બાદ પોલીસ કડક બનતા ભાવનગર શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂના સ્ટેન્ડો બંધ થઈ ગયા છે પણ હવે વહેલી સવારે 4 થી 5 દરમિયાન અમુક બંધાણીઓ માલ મેળવી લે છે. જ્યારે કેટલાક સ્થળોએથી ફ્રી હોમ ડિલિવરી થતું હોવાનું પણ કહેવાય છે. દારૂની કોથળી રૂ. 20ના બદલે હવે રૂ. 40માં મળતી થઈ છે.

દરમિયાનમાં ચિત્રા અને કુંભારવાડા વિસ્તારમાં તપાસ કરતા દર 500 મીટરે એક દારૂનું સ્ટેન્ડ ચાલતું હતું તેવી ચોંકાવનારી માહિતી લોકોએ આપી છે. શહેરના આડોડિયાવાસમાં દેશી દારૂનું મોટું બજાર છે. તે ઉપરાંત ચિત્રા અને કુંભારવાડા વિસ્તારમાં પણ દેશી વિદેશી દારૂ છુટથી વેચાઈ રહ્યો હતો. આ સ્થળે તપાસ કરતા લોકોના જણાવ્યા મુજબ પાન કે ચાની લારી હોય તેમ થોડાં-થોડાં અંતરે દારૂના સ્ટેન્ડ આવેલા હતા.

જોકે હમણાં થોડો સમય આ સ્ટેન્ડમાંથી મોટા ભાગના સ્ટેન્ડ બંધ હોવાનું લોકો જણાવે છે. ચિત્રામાં ભાણુંભા, વરતેજમાં કુમાર અને બોરતળાવમાં બારૈયા નામના બુટલેગરની બોલબાલા હોવાનું લોકો જણાવી રહ્યાં છે. આ વિસ્તારોમાં અનેક વખત આ પ્રશ્ને ગેંગવોર અને માથાકુટો પણ થઈ હોવાનું લોકોનું કહેવું છે.

ખાસ કરીને દારૂના દુષણને કારણે જે લોકોએ ઘરનો મોભી કે પોતાનો પતિ ગુમાવ્યો છે તેવા લોકોએ વ્યથિત હૈયે આ માહિતી આપી હતી ભાવનગરમાં દારૂનું દુષણ નાબુદ થાય તે માટે પોલીસ તંત્ર કટિબદ્ધ છે ત્યારે દારૂના સ્ટેન્ડ માટે નામીચા વિસ્તારોમાં પોલીસ તંત્ર સતત વોચ રાખે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...