રજુઆત:ઘોઘા પોલીસ સ્ટેશનની અગાશી પર પોલીસે ઢોરમાર માર્યાંનો આક્ષેપ

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુન્હો કબુલી લે તો, અમારે કોઈ મારકુટ નથી કરવી
  • ​​​​​​​ગુન્હો કબુલી લેવા પર દબાણ કર્યાની ઉચ્ચ કક્ષાએ રજુઆત, સ્થાનિક પોલીસે આક્ષેપો ફગાવ્યા

ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવાની શંકાના આધારે ઘોઘા પોલીસ દ્વારા પડવા પ્લાન્ટની બાજુમાં જેસીબી ડ્રાઈવિંગનું કામ કરતા હિતેશભાઈ નાથાભાઈ બારૈયાને ગત તા. 6/5ના રોજ ઘોઘા પોલીસ મથકે લાવી સહદેવસિંહ ઝાલાએ પોલીસ સ્ટેશનની અગાસી પર લઈ જઈ પુછપરછ કરી કે તું જેસીબી લઈ ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવામાં મદદ કરે છે.

જે વાત તેમણે નહી સ્વિકારતા તેમને આડેધડ માર મારી જણાવ્યું કે, ગુન્હો કબુલી લે તો અમારે તને કંઈ મારકુટ નથી કરવી, જે પછી પીએસઆઈની ચેમ્બરમાં લાવી ત્યાં પીએસઆઈએ પુછપરછ કરી જેને સંતોષકારક જવાબ આપવા છતાં થર્ડ ડિગ્રી અપનાવવી પડશે તેમ કહી બે કર્મચારીઓએ મળી આડેધડ માર માર્યો હતો.

બીજા દિવસે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહી લઈ ઉપરી અધિકારી પાસે જશો તો બીજા કેસમાં ફિટ કરી દેવામાં આવશે તેવું કહેતા ત્યાંથી નિકળી ગયા બાદ તેમણે સર ટી. હોસ્પિટલમાં સારવાર લઈ ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ તથા આમા સંડાવાયેલા કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા, રેન્જ આઈજી, ગૃહમંત્રીને લેખિત રજુઆત કરી હતી.

જ્યારે બીજી તરફ આ આક્ષેપોને ફગાવતા ઘોઘા પીએસઆઈ વાધિયાએ જણાવ્યું હતું કે, આ આક્ષેપો સદંતર પાયાવિહોણા છે. શીપમાં થયેલી 70 લાખની ચોરીની શંકામાં તેને પુછપરછ માટે લાવ્યા હતા અને LCB સમક્ષ તેને નિવેદન આપવા જવાનું હતું પરંતુ ત્યાં જવું ના પડે અને તપાસમાં વિઘ્નો નાખવા આવા આક્ષેપો કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...