સ્વચ્છતા અભિયાન:પાલીતાણા ખાતે સમસ્ત મહાજન સંસ્થાએ મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ, પતંગની નકામી દોરીઓ ભેગી કરી નિકાલ કર્યો

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાના સફાઈ કામદારો સહિતનાઓને ધાબળાનું વિતરણ પણ કરાયું
  • સ્વચ્છતા સાથે રોગ પ્રતિકારક ઉકાળાનું પણ વિતરણ

મકર સંક્રાતિ પછીના દિવસે પાલીતાણા નગરજનોના જાગૃતિ અર્થે અને સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓના સહયોગની અપેક્ષા સાથે પાલીતાણાની પવિત્ર તિર્થ ભૂમિને તેની પવિત્રતાને બરકરાર રાખવાં અને તેને સુંદર અને રળિયામણું બનાવવાં માટે સમસ્ત મહાજન સંસ્થા દ્વારા એક અનોખું સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે ઉત્તરાયણના તહેવારને લઇને ત્યારપછીના દિવસે શેરીઓ- રસ્તાઓ પર દોરીઓ નડતરરૂપ રીતે લટકતી જોવાં મળે છે. આ દોરીથી અબોલ પક્ષીઓ પણ ઘાયલ થાય છે. ત્યારે આવી દોરીઓને દૂર કરવાં માટે પણ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ અભિયાનમાં પાલીતાણા નગરપાલિકા અને રાજદીપ એન્ટર પ્રાઇઝનો સહકાર પણ મળ્યો હતો. આ સાથે પાલીતાણાની સામાજિક- શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ પણ જોડાયાં હતાં. આ તમામના સહકાર સાથે સવાર થી સાંજ સુધી પાલીતાણાની વિવિધ સોસાયટીઓમાં જઇને સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ સફાઇ અભિયાન અંતર્ગત ફાટેલાં પતંગ સાથે નકામી દોરીઓને પણ દૂર કરીને આડકતરી રીતે અબોલ જીવોની પણ સેવા કરવામાં આવી હતી. આમ, પણ પાલીતાણા અહિંસાની નગરી છે. જેનાથી તેની શોભા વધુ વધશે, સફાઈ અભિયાનમાં જોડાયેલા દરેક સેવાભાવી નાગરિકોને ભૂવડ ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને તેના દ્વારા પાલીતાણાના નગરજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સફાઇ સાથે સંકળાયેલ રાજદીપ એન્ટરપ્રાઇઝના સફાઈ કામદારો સહિત નગરપાલિકાના સફાઈ કામદારોને ઠંડીના આ માહોલમાં ધાબળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વૃક્ષોને રંગીન કરવાનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા અહિંસાની નગરી વધુ આકર્ષક બનશે. આ અભિયાનને સહકાર આપનાર 400 લોકોને ધાબળા વિતરણ અને વિશિષ્ટ સેવા આપનારને મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

પાલીતાણા નગરપાલિકા દ્વારા આવું સુંદર આયોજન કરનાર સમસ્ત મહાજન સંસ્થાનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. પાલીતાણા નગર સુંદર, સુઘડ અને સાચા અર્થમાં સ્વચ્છ નહીં બને ત્યાં સુધી સફાઇ અભિયાન આદરીને તેને વધુ સારું બનાવવાં માટેના પ્રયત્નો સતત શરૂ રહે તે માટે સંકલ્પ બદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી, આ સ્વચ્છતા અભિયાનમાં શિક્ષકો, સમાજના પ્રબુધ્ધ નાગરિકો, પાલીતાણા નગરપાલિકાના સફાઇ કામદારો જોડાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...