નેતાઓ નિંદ્રામાં:અલંગની હડતાલ ભાવનગરને ભાંગી નાખશે, આર્થિક કરોડરજ્જુ સમાન શિપબ્રેકીંગ યાર્ડમાં હડતાળથી રોજની 4.25 કરોડના કરની આવકમાં નુકસાન

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હજારો મજુરો બેકાર બનતા કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો પણ ઊભા થશે, કલેકટરે બોલાવેલી બેઠકમાં કોઈ નિર્ણય ન થયો

ટ્રકના ભાડા વધારા, લોડિંગ ચાર્જ નાબૂદ કરવાની માંગણી સાથે અલંગમાં ચાલી રહેલી ટ્રક હડતાળને કારણે સરકારને પ્રતિદિન 4.25 કરોડના કરવેરાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે, અને હજારો લોકોની દૈનિક રોજગારીને પણ અસર પડી રહી છે. નવાઇની વાત તો એ છે કે, જિલ્લાના સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો સહિતના લોકો મધ્યસ્થી કરવાથી અંતર રાખી રહ્યા છે. બીજી તરફ સંલગ્ન તમામ એસો.ની કલેકટર સાથે મીટિંગ અનિર્ણિત રહી હતી. રી-રોલિંગ મિલ ધારકો લોડીંગ ચાર્જને ખોટી રીતે થોપી બેસાડવામાં આવી રહેલો ગણાવી રહ્યા છે, જ્યારે શિપબ્રેકરો તેને સર્વિસ ચાર્જ ગણાવી રહ્યા છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પ્રતિદિન 5000 ટનનું ઉત્પાદન ઠપ્પ થઇ ગયું છે. ટ્રકની હડતાળને કારણે દરેક શિપબ્રેકિંગ પ્લોટમાં સ્ક્રેપ, પ્લેટના થપ્પા લાગી ગયા છે, વેચાણ ઠપ્પ છે, તેથી કામદારોની સલામતીના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેવા હેતુથી શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો. (ઇન્ડીયા) દ્વારા સોમ, મંગળ, બુધવારે અલંગના તમામ પ્લોટોમાં ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે. 400 ટ્રકના પૈડા થંભી ગયેલા છે, શિપબ્રેકિંગ, આનુષંગિક ઉદ્યોગો, વેપાર ધંધા, રી-રોલિંગ મિલ પણ પ્રભાવિત થઇ રહ્યા છે.

દરમિયાન ભાવનગર જિલ્લા કલેકટરની હાજરીમાં સોમવારે અલંગ ટ્રક ટ્રાન્સપોર્ટ એસો., રી-રોલિંગ મિલ-ફરનેસ એસો., શિપ રીસાકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો. (ઇન્ડીયા)ના હોદ્દેદારોની એક બેઠક મળી ગઇ હતી, જેમાં રી-રોલિંગ મિલો અને ટ્રક-ટ્રાન્સપોર્ટના અગ્રણીઓ દ્વારા શિપબ્રેકરો દ્વારા લાદવામાં આવી રહેલા પ્રતિ ટન રૂ.100ના લોડિંગ ચાર્જને નાબૂદ કરવાની વાત પર મક્કમ રહ્યા હતા, જ્યારે શિપબ્રેકરોએ આ ચાર્જ તેઓનો સર્વિસ ચાર્જ હોવાનું મીટિંગમાં જણાવ્યુ હતુ.

આમ કલેકટરે મધ્યસ્થી કરીને બોલાવેલી બેઠક અનિર્ણિત રહેતા હજુ કેટલા દિવસ ટ્રક હડતાળ ચાલશે તેના અંગે પણ અનિશ્ચિતતાઓ ઉભી થઇ છે. શિપબ્રેકિંગમાં પ્રતિ દિન સરેરાશ 5000 ટનનું ઉત્પાદન થાય છે, અને તેના મુજબ માલ ડિસ્પેચ થાય છે. પરંતુ છેલ્લા 15 દિવસથી તમામ ડિસ્પેચ બંધ હોવાને કારણે એક અંદાજ મુજબ સરકારને પ્રતિદિન રૂ.4.25 કરોડના કરવેરાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે, અને તમામ એસો. પોતાની વાત પર હજુ અડગ રહેતા સમાધાનના પ્રયાસો પર અનિશ્ચિતતાના વાદળો છવાઇ ગયા છે.

શિપબ્રેકિંગ, રી-રોલિંગ મિલો થકી જિલ્લામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 1.50 લાખ લોકો સંકળાયેલા છે, અને છેલ્લા 15 દિવસથી લોડિંગ ચાર્જ, હમાલી, ભાડા વધારા સહિતના જુદાજુદા કારણોસર ચાલી રહેલી ટ્રક હડતાળને કારણે સંખ્યાબંધ લોકોની રોજગારીને પણ અસર પડી રહી છે. રોજમદાર મજૂરોને પણ દૈનિક વેતનના ફાંફા પડી રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે જિલ્લાના એકપણ સાંસદો, ધારાસભ્યો, નેતાઓએ મડાગાંઠ ઉકેલવાના પ્રયત્નો કર્યા નથી. મીટિંગ દરમિયાન જિલ્લા કલેક્ટરે કાયદો અને વ્યસ્થા જળવાઇ રહે અને લોડિંગ માટે જો કોઇ ટ્રક આવે તો તેને અટકાવાય નહીં તેની સુચના અપાઇ છે.

ગુજરાતમાં ક્યાંય લોડિંગ ચાર્જ નથી
અલંગમાં હંગામી ધોરણે લોડિંગ ચાર્જમાં સહમતી સધાઇ હતી, હવે પરિસ્થિતિ સામાન્ય છે ત્યારે લોડિંગ ચાર્જ હટાવી લેવો જોઇએ, શિપબ્રેકિંગના ઇતિહાસમાં ક્યારેય લોડિંગ ચાર્જ લેવાતો ન હતો, ગુજરાતમાં ક્યાંય એકપણ ઉદ્યોગ લોડિંગ ચાર્જ લેતુ નથી, અમારો તૈયાર માલ અમે વેચીયે છીએ ત્યારે અમે પણ ગ્રાહક પાસેથી ક્યારેય લોડિંગ ચાર્જ લેતા નથી.- હરેશભાઇ પટેલ, પ્રમુખ, સિહોર રી-રોલિંગ મિલ એસો.

લોડિંગ ચાર્જ નાબુદીની અમારી માંગ છે
અલંગમાં કોરોના દરમિયાન પરપ્રાંતિય મજૂરો વતન ગયા હતા અને તેથી સ્થાનિક મજૂરો કામ કરી રહ્યા હતા અને હંગામી ધોરણે લોડિંગ ચાર્જ રૂ.100 પ્રતિટન શિપબ્રેકરો દ્વારા વસુલવામાં આવી
રહ્યા હતા. હવે સ્થિતિ સામાન્ય છે, તો લોડિંગ ચાર્જ નાબૂદ કરવાની અમારી માંગ અડગ છે. - સુરેશભાઇ કે. જારીયા, અલંગ-સોસિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન

ટ્રક ભાડા રોલિંગ મિલો સાથે સંલગ્ન છે
ઇંધણ અને અન્ય સ્પેરપાર્ટસમાં થયેલા ભાવવધારાને કારણે ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાળ અલંગમાં ચાલી રહી છે, દૈનિક 5હજાર ટનનું ઉત્પાદન ઠપ્પ થઇ રહ્યું છે. ટ્રક ભાડા રોલિંગ મિલોએ ચુકવવાના હોય છે. લોડિંગ ચાર્જ એ અમારો સર્વિસ ચાર્જ છે તે સમજવું જરૂરી છે. - રમેશભાઇ મેંદપરા, ઉપપ્રમુખ, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો. (ઇન્ડીયા)

..તો કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન સર્જાશે
અલંગમાં ચાલી રહેલી ટ્રક હડતાળ અને શિપબ્રેકિંગ વ્યવસાયમાં ત્રણ દિવસ ઉત્પાદન બંધ રાખવાના કરવામાં આવેલા નિર્ણયને કારણે અંદાજે 15હજાર મજૂરો કામકાજ વિનાના અહીં-તહીં ભટકી રહ્યા છે. પરપ્રાંતિય અને સ્થાનિક મજૂરોને દૈનિક મજૂરીના પ્રશ્નો પણ ઉભા થઇ રહ્યા છે. અલંગમાં નવરા પડેલા મજૂરોથી કાયદો અને વ્યસ્થા સામે પણ પ્રશ્નો ઉભા થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...