શિપ રીસાયકલિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં:અલંગ શિપબ્રેકિંગને બેવડો માર માર્કેટ 15% તૂટી, ડોલર 5% વધ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સામાન્ય દિવસોથી અલંગમાં ચહલ-પહલ પણ ઓછી થઇ ગઇ
  • લગ્ન સીઝન ખિલેલી હોય અને ચોમાસુ આવતુ હોય પરપ્રાંતિય કામદારો વતનમાં

ભાવનગર જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન અલંગનો શિપ રીસાયકલિંગ ઉદ્યોગ અનેક મોરચે પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહ્યો છે. સ્ક્રેપની માર્કેટ નાટકિય રીતે ઘટી, ડોલર સામે રૂપિયાનું સતત અવમુલ્યન થઇ રહ્યું છે, પરપ્રાંતિય કામદારો પણ વતન ભણી જઇ રહ્યા છે, આમ તમામ રીતે શિપ રીસાયકલિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં છે.

અલંગમાં ભાંગવા માટે અાવતા જહાજમાંથી 90% લોખંડ નીકળે છે, તેથી તેની મુખ્ય આવક લોખંડ અને મેટલ પર આધારીત હોય છે. સમગ્ર ભારતમાં છેલ્લા એક માસથી સ્ટીલની માંગમાં સતત થઇ રહેલા ઘટાડાને કારણે ભાવનગરમાં તાજેતરમાં સ્ક્રેપ માર્કેટમાં 15થી 20%નો તોતિંગ ઘટાડો નોંધાયો છે. જે વ્યવસાયકારો પાસે જહાજ છે તેઓને આ માર્કેટમાં માલ વેચવાનું ભારે પડી રહ્યું છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય ચલણ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાનું સતત અવમુલ્યન થઇ રહ્યું છે. ગુરૂવારે ડોલર 77.73ની સર્વોચ્ચ સપાટીને અડકી ગયો છે. જેથી અલંગના શિપબ્રેકરોને જહાજની ખરીદી કરવાનું હાલના તબક્કે પોસાણ થાય તેમ નથી. તેની સામે આંતરરાષ્ટ્રીય બજારમાં સમયાવધી સમાપ્ત કરી રહેલા જહાજોની કિંમત પણ ટાઇટ છે, અને શિપની સરેરાશ કિંમત 670$ ની આસપાસ છે. અલંગના વ્યવસાયકારો જણાવે છે કે હજુ જહાજ 100 ડોલર સસ્તુ થાય તો પોસાણ થઇ શકે અન્યથા અમારે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાનો વારો આવ્યો છે.

અલંગમાં જહાજ કટિંગની મુખ્ય કામગીરી સાથે સંકળાયેલા પરપ્રાંતિય કામદારોના વતનમાં હાલ લગ્ન સીઝન હોવાથી મોટી સંખ્યામાં તેઓ વતન જવા લાગ્યા છે, અને તુરત જ ચોમાસાની સીઝન શરૂ થશે તેથી તેઓને વતનમાં ખેતરની વાવણીમાં રોજગારીઓ મળી રહેતી હોય છે તેથી ચોમાસામાં પણ કામદારોની અછત અલંગને હેરાન કરી શકે છે. આમ ચોતરફ કારણોથી ઘેરાયેલો શિપ રીસાકલિંગ ઉદ્યોગને કારણે સામાન્ય દિવસોની સરખામણીએ અલંગમાં હાલ સન્નાટો છે.

નવા જહાજની ખરીદી પર લાગી છે બ્રેક
અલંગનો શિપ રીસાયકલિંગ વ્યવસાયમાં ગત માસ દરમિયાન જે જહાજ આવ્યા છે તે જૂની ખરીદીના છે, હવે વ્યવસાયકારો વધતો ડોલર, ઘટતી માર્કેટ અને અનિશ્ચિતતાઓને કારણે નવા જહાજની ખરીદી અટકી છે, વ્યવસાયકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવે છે. - વિશ્નુકુમાર ગુપ્તા, પ્રમુખ, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)

અન્ય સમાચારો પણ છે...