કામગીરી પ્રભાવિત:અલંગમાં 20 હજાર મજૂરોની જરૂર પણ હાલમાં 3 હજાર જ ઉપલબ્ધ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 1 સાંધો ત્યાં 13 તૂટે જેવો ઘાટ : ઓક્સિજન પુરવઠો પૂર્વવત થયો
  • મે મહિના દરમિયાન અલંગમાં 23 જહાજ આવ્યા : હાલ 70 શિપ છે

અલંગના શિપબ્રેકિંગ વ્યવસાય અને તડકા-છાંયડાને સાપેક્ષ સંબંધ હોય તેવી રીતે આ વ્યવસાય સતત અનિશ્ચિતતાઓનો સામનો કરે છે. કોરોનાની દ્વિતિય લહેર ધીમી પડવાની સાથે અલંગમાં ઓક્સિજનનો પૂરવઠો પૂર્વવત થવા લાગ્યો ત્યાં 20હજાર મજૂરોની જરૂરીયાત સામે હાલ માત્ર 3000 જ મજૂરો ઉપલબ્ધ છે, જેના કારણે જહાજ ભાંગવાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે.

કોરોનાની દ્વિતિય લહેર દરમિયાન સમગ્ર દેશની સાથોસાથ ગુજરાતમાં પણ ઓક્સિજનની તિવ્ર તંગી પ્રવર્તિ રહી હતી અને ઓક્સિજનની સરેરાશ તમામ દર્દીઓને આવશ્યક્તા રહેતી હતી. અચાનક ઓક્સિજનની વધી પડેલી માંગ અને મહામુલી માનવ જીંદગીઓ બચાવવાના હેતુથી આૈદ્યોગિક વપરાશ માટેના ઓક્સિજન સપ્લાયને પણ મેડિકલ ઉપયોગ માટે હોસ્પિટલો તરફ ફરજીયાતપણે વાળવો પડ્યો હતો.

છેલ્લા 40 દિવસથી ઓક્સિજનની ભારે અછતને કારણે અલંગમાં જહાજ ભાંગવાની પ્રવૃત્તિમાં ઓટ આવી, અને પરપ્રાંતીય કામદારોની રોજગારી ઘટવા લાગી હતી. કોરોનાની દ્વિતિય લહેર ગામડાઓ સુધી પગપેસારો કરી ચૂકી હતી તેથી પરપ્રાંતિય કામદારોને એક તરફ કોરોનાનો ડર હતો, અને બીજી તરફ અલંગમાં ફરી ક્યારે કામ શરૂ થશે તેની અનિશ્ચિતતાઓ હતી. આવા અસમંજસતાવાળા વાતાવરણ વચ્ચે પરપ્રાંતિય મજૂરોએ વતનની વાટ પકડી હતી. અને એક અંદાજ મુજબ 17હજાર મજૂરો પોતાના વતનમાં પરત ફર્યા છે. હાલ માત્ર 3000 મજૂરો મોજુદ છે.

સમગ્ર અલંગમાં હાલ 70 જહાજો પ્લોટમાં છે, મે-2021 દરમિયાન 23 જહાજ અલંગની અંતિમ સફરે આવ્યા છે, તે પૈકી 19 બીચ થઇ ચૂક્યા છે. જહાજોની સંખ્યાને ધ્યાને રાખતા અલંગમાં 20હજાર મજૂરોની હાલના તબક્કે આવશ્યક્તા છે, તેની સામે માત્ર 3000 કામદારો છે. આવા સંજોગોમાં દૈનિક જહાજ તોડવાની કામગીરી પ્રભાવિત થઇ રહી છે.

શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના જોઇન્ટ સેક્રેટરી હરેશભાઇ પરમારના જણાવ્યા પ્રમાણે, કોરોનાની દ્વિતિય લહેર દરમિયાન મોટા પ્રમાણમાં પરપ્રાંતિય કામદારો વતન પરત ફર્યા છે અને ક્યારે પરત ફરશે તે કહી શકાય તેમ નથી, હાલ ઓક્સિજન પુરવઠો પૂર્વવત થયો છે, પરંતુ મજૂરોની તિવ્ર અછતને કારણે કામગીરી પ્રભાવિત થયેલી છે.

અન્ય સમાચારો પણ છે...