શિપ રીસાયકલિંગ ક્ષેત્રે દક્ષિણ એશયાના દેશોનો હિસ્સો મોટો છે. ભારતમાં છેલ્લા નવ માસ દરમિયાન 141 જહાજ ભંગાણાર્થે અલંગ પહોંચ્યા છે, અને જહાજની અછતનો સામનો અલંગ કરી રહ્યું છે. પરંતુ હવે હરિફ પડોશી દેશોની વિષમ આર્થિક પરિસ્થિતિઓને કારણે તેનો સીધો લાભ અલંગને મળવાની શક્યતા છે.
તાજેતરમાં લીલા ક્યોટો અને અકિન્ડા બ્રિજ નામના જહાજ પાકિસ્તાનમાં ભંગાવા માટે વેચવામાં આવ્યા હતા. પરંતુ પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિઓ ડામાડોળ બનતા જહાજની લેટર ઓફ ક્રેડિટ ખોલવામાં પાકિસ્તાન સેન્ટ્રલ બેંકને મળેલી નિષ્ફળતા બાદ આ બંને જહાજ ભારતના અલંગમાં ભંગાવવા માટે આવ્યા છે.
બાંગ્લાદેશમાં પણ નાના જહાજ ભંગાવવા માટે તાજેતરમાં આવ્યા છે, પરંતુ મોટા જહાજના કામ ત્યાં પણ થઇ રહ્યા નથી. ગ્રીન સીવાયના મોટા જહાજનો ફ્લો અગાઉ બાંગ્લાદેશમાં નોંધપાત્ર જથ્થામાં હતો. પરંતુ હવે મોટા જહાજો માટેની બેંક મારફતે અમેરિકન ડોલરમાં કરાતી ચૂકવણીમાં સમસ્યાઓ સામે આવી રહી છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં હાલ 50 જેટલા જહાજ ભાંગવાનું કામ શરૂ છે.
સ્થાનિક શિપ રીસાયકલર્સ જહાજ ખરીદવા માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. જો કે, પડોશી દેશોની આર્થિક પરિસ્થિતિઓ ડામાડોળ થતા હવે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં શિપ ભાંગવાનો ઉદ્યોગ પ્રભાવિત થયો છે. જેનો સીધો લાભ અલંગને મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. વર્ષ 2022-23 એકંદરે અલંગ માટે અગાઉના વર્ષોની સરખામણીએ નબળું રહ્યા બાદ હવે 2023માં જહાજો આવવાની આશા બંધાઇ છે.
એક્સપર્ટ ઓપીનિયન : એકંદરે 2023 સારૂ રહેશે
અલંગ લાસ્ટ વોયેજના જીતુભાઇ કામદારના મતે, યુરોપમાં જળમાર્ગે વ્યાપાર મંદ પડ્યો છે, સમયાવધિ વટાવી ચૂકેલા કન્ટેનર અને મોટા જહાજો ભંગાણાર્થે વેચાવા નીકળશે. ઉપરાંત હરિફ પડોશી દેશોની નબળી આર્થિક પરિસ્થિતિનો પણ આડકતરો લાભ અલંગને મળી શકે છે. એકંદરે વર્ષ 2023 સારૂ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.