ગણેશ વિસર્જન:અગલે બરસ તું જલ્દી આનાના નારા સાથે વિઘ્નહર્તા દેવની વાજતે-ગાજતે વિદાય

ભાવનગર24 દિવસ પહેલા
  • ભાવનગરના કોળિયાકના દરિયા કિનારે ગણેશ વિસર્જન કરાયું
  • ભક્તોએ મંગલમૂર્તિ પાસે મંગલ કામનાઓ સાથે બાપ્પાને વિદાય આપી

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે શુક્રવાર ગણપતિ ઉત્સવ અંતર્ગત ગણપતિજીની પ્રતિમાંનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અગલે બરસ તું જલ્દી આના ના નારા સાથે વિઘ્નહર્તા દેવની વાજતે-ગાજતે વિદાય આપી હતી, જિલ્લામાં સાર્વજનિક તથા ઘરે મૂર્તિનું સ્થાપન કરનારાઓએ પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. જિલ્લાના કોળિયાકના દરિયા કિનારે ગણપતિની મૂર્તિઓનુ વિસર્જન કરવા ભાવિ ભક્તો ઉમટ્યા હતા.

ગણપતિ ઉત્સવના આયોજનમાં દર વર્ષે વધારો
દર વર્ષે ભાવનગર શહેર તથા જિલ્લામાં ગણપતિ ઉત્સવના આયોજનોમાં વધારો થઈ રહ્યો છે. લોકો ઘરમાં પણ ગણપતિ ઉત્સવ અંતર્ગત મૂર્તિ સ્થાપના કરી એક દિવસથી લઈને પાંચ દિવસનું આયોજન કરે છે, જોકે, જાહેરમાં થતાં આયોજનો મોટાભાગે દસ દિવસના યોજવામાં આવે છે.

ગણેશ મહોત્સવમાં અનેક ધાર્મિક, સામાજીક કાર્યક્રમો યોજાયા
જિલ્લામાં યોજાયેલા વિવિધ ગણપતિ ઉત્સવના આયોજનોમાં ભક્તિ રસની પરંપરાગત હેલી જોવા મળી હતી. આ દસ દિવસમાં પ્રત્યેક દિવસે નાનાં-મોટાં ધાર્મિક, સાંસ્કૃતિક તથા સામાજિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યાં હતાં, જેમાં મહાપૂજાથી લઈને અન્નકૂટ, સત્સંગ, સંતવાણી સાથે બ્લડ ડોનેશન, સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ વેક્સિનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભાવનગર શહેર તથા જિલ્લામાથી ગણપતિજીની મૂર્તિનું વિસર્જન માટે નિષ્કલંકનો સમુદ્ર તટ માનિતો પોઈંટ છે. આ સ્થળે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે.

દુદાળા દેવને આવતા વર્ષે વહેલા પધારવાની વિનવણી સાથે વિદાય આપી
આજેરોજ શુક્રવાર સવારથી સાંજ સુધીમાં આયોજકોએ ઢોલ, નગારા તથા ડીજે સાથે અબિલ, ગુલાલની છોળો વચ્ચે વાજતે-ગાજતે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા કોળીયાકના દરિયા કિનારે પહોંચ્યા હતા. મંગલમૂર્તિ પાસે મંગલ કામનાઓ સાથે અનંત કામનાઓ વચ્ચે દુદાળા દેવને આવતા વર્ષે વહેલા પધારવાની વિનવણી સાથે ભાવ અને ભક્તિ ભેર વિદાય આપી હતી.

અન્ય સમાચારો પણ છે...