ક્યાંથી ભણે ગુજરાત:પ્રવેશોત્સવ બાદ માંડ અભ્યાસ શરૂ થયો ત્યાં હવે કલાઉત્સવ

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓગસ્ટમાં અભ્યાસના માત્ર 21 દિવસમાં કલાઉત્સવની ઉજવણીથી વર્ગશિક્ષણમાં અડચણ
  • ચિત્રકલા, સાહિત્ય, વાદ્ય વિગેરે સ્પર્ધાઓના આયોજનને લીધે શિક્ષણ કાર્ય રૂંધાશે

2022-23માં પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીઉત્સવ જેવા કાર્યક્રમો બાદ વર્ગોમાં માંડ અભ્યાસ કાર્યનો આરંભ થયો છે ત્યાં તા.1 ઓગસ્ટથી વધુ એક ઉત્સવ કલા ઉત્સવની ઉજવણીનો આરંભ થવા જઇ રહ્યો છે એટલે ઓગસ્ટ માસ જેમાં 31 દિવસમાં 10 દિવસ રજાના છે અને 21 દિવસ ભણવાના છે તેમાં આ ઉજવણીને લીધે પ્રથમ પખવાડિયામાં વર્ગ શિક્ષણમાં અડચણ આવશે. આમ પણ શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરાયું છે તેમાં પ્રથમ સત્રમાં 104 દિવસ ભણવાના છે તેમાં આવી ઉજવણીને લીધે વિદ્યાર્થીઓનું વર્ગ શિક્ષણ ખોરંભે ચડતું હોય છે.

રાજ્ય સરકાર દ્વારા સાહિત્ય રચના કૌશલ્ય, ચિત્રકલા કૌશલ્ય, વાદ્ય કૌશલ્ય વિગેરે જેવા કૌશલ્યોના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી કલા અને પ્રતિભાને પ્રેરણા તેમજ પ્રોત્સાહન મળે તે હેતુથી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે કલાઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત(ગાયન અને વાદન)નું આયોજન દરેક જિલ્લામાં શાળા કક્ષાએથી લઇને જિલ્લા કક્ષા સુધી કરાશે. આ સ્પર્ધા ધો.6થી 8, ધો.9 અને ધો.10 તેમજ ધો.11-12 એમ ત્રણ વિભાગમાં યોજાશે. વિજેતા સ્પર્ધકોને આગળ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. સ્પર્ધાઓમાં ઇનામો અપાશે.

જે સમયની વાત કરતા હતા તેમાં ઓગસ્ટ જેમાં 21 દિવસ શાળામાં ભણવાના છે તેમાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે તા.1થી 3 દરમિયાન શાળા કક્ષાએ, 5 ઓગસ્ટે સીઆરસી કક્ષાએ , 8 ઓગસ્ટે તાલુકા અને 15 ઓગસ્ટે જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજાશે. જેમાં ચિત્ર, બાળ કવિ, સંગીત ગાયન અને વાદન વિગેરેમાં જુદી જુદી સ્પર્ધાઓ યોજાશે.

વર્ગ શિક્ષણને હાનિ પહોંચશે
ઓગસ્ટ માસમાં 21 દિવસ ભણાવવાના છે અને તેમાં હજી સ્થાનિક રજા (જેમ કે સાતમ આઠમનું મિની વેકેશન) ઉમેરાતા 21 દિવસ પણ વર્ગ શિક્ષણ માટે નહીં રહે. આ સંજોગોમાં આવી કલા સ્પર્ધા તો બીજા સત્ર જેમાં શિક્ષણ માટે વધુ દિવસો હોય છે તેમાં યોજી શકાય. જેથી વર્ગ શિક્ષણને હાનિ ન પહોંચે. કારણ કે ભાગ લેનારા વિદ્યાર્થીઓને તૈયારી તો આખરે શાળાના શિક્ષકે જ કરાવવાની હોય છે.- કરણસિંહ પરમાર, શિક્ષક

ગામડાઓમાં કાંઇ કલાકાર હોતા નથી
ગામડાઓમાં કાંઇ નિષ્ણાત કલાકાર હોતા નથી જે શાળાના વિદ્યાર્થીઓને અલગ રીતે તૈયારી કરાવી શકે. આથી શાળાના શિક્ષક જ તૈયારી કરાવે છે. જેથી જેણે ભાગ લીધો હોય તે બાળકને તૈયારીમાં ગર્વ શિક્ષણને હાનિ પહોંચે જ છે.

અન્ય સમાચારો પણ છે...