રાજકારણ:પાટીલ બાદ હવે પટેલ, ભાવેણામાં રોજ પધારો, રોડને થિગડા અને ઢોરને તગેડ્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમયાંતરે કાર્યક્રમો ગોઠવાય તો ભાવનગરના લોકોની સમસ્યાઓ હળવી થાય
  • બે દિવસ ભાજપ​​​​​​​ પ્રદેશ પ્રમુખે ભાવનગરમા ધામા નાખ્યા સાથે મંત્રીઓ સહિતના હોવાથી તંત્ર સાબદુ રહ્યુ ત્યાં CM આવતા સવારથી જ રોડ પર રડાર ગોઠવાઈ ગઈ

ભાવનગરના શહેરીજનો રખડતા ઢોર અને બિસ્માર રોડથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મગરની પીઠ જેવા થઈ ગયેલા રોડ અને રસ્તા પર અડીંગો જમાવી બેઠેલા ઢોરને કારણે રાહદારીઓ અને વાહનચાલકોના હાલ બેહાલ થઈ ગયા છે. આવી સ્થિતિમાં રીંગરોડ માટે સરકારે 297 કરોડની ફાળવણી કરી તે સંદર્ભે મુખ્યમંત્રી અભિવાદન સ્વીકારવા ભાવનગર આવી રહ્યા છે.

તે પહેલાં બે દિવસ ભાજપના પ્રદેશ પ્રમુખ ભાવનગરમાં આવ્યા હતાં. જેથી તંત્ર સાબદુ તો રહ્યું હતું. પરંતુ સાથો સાથ શહેરના મુખ્ય માર્ગો તેમાં પણ ખાસ કરીને મુખ્યમંત્રી કે રોડ પરથી પસાર થવાના હતા તે રોડના ખાડા પુરાણ કરી નાખ્યા છે અને રસ્તા પરના ઢોર હંકારવાની કોર્પોરેશન સાથે પોલીસ કામગીરી કરી રહ્યા છે.

ચોમાસાના પ્રથમ વરસાદે જ ભાવનગર શહેરના મોટાભાગના રોડમાં ખાડા પડી ગયા છે. તંત્ર અને એજન્સીની બેદરકારી બહાર આવી હતી. તેવી જ રીતે રસ્તા પર ટોળાશાહી કરી ચક્કાજામ કરતા ઢોરનો ત્રાસ અસહ્ય છે. હાઇકોર્ટની ફટકાર પણ તંત્રને લાગતી નથી. ઢોર અને ખાડાને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે છતાં શાસકો કે તંત્રને તેની જરાય ગંભીરતા નથી. મેળાવડાઓમાં વ્યસ્ત પ્રજાના પ્રતિનિધિઓને પ્રજાની સમસ્યાનો ખ્યાલ નથી. વિરોધ પક્ષ દ્વારા પણ જુદા જુદા કાર્યક્રમો અને આવેદનો આપવા છતાં પ્રશ્ન હજુ પણ અણઉકેલ છે.

ત્યારે જાણે સરકારે ભાવનગરની પ્રજાજનોની સામે જોયું હોય તેમ પાટીલ અને પટેલને ભાવનગરમાં મોકલ્યા. બે દિવસ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજ્યા હતા. તેમની સાથે ધારાસભ્યો, સાંસદ અને મંત્રીઓનો મેળાવડો પણ હોવાથી તંત્ર દ્વારા પાટીલના કાર્યક્રમોના રૂટ પર નજર માંડી હતી.

અને ઓછામાં ઓછો આ વિસ્તારમાં ઢોરનો ત્રાસ રહે તેમજ બિસ્માર રોડ પણ થાગડ થિગડ થાય તેવા પ્રયાસો કર્યા હતા. ઓછામાં પૂરું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સન્માન સ્વીકારવા ભાવનગર આવ્યા હતા. રિંગ રોડ માટે કરોડો રૂપિયા ફાળવવાની માત્ર સૈદ્ધાંતિક મંજૂરીનો જશ લેવા આવતા હોવાથી એરપોર્ટ થી ચિત્રા સુધીનો તેમના રૂટનો રોડ દિવસ રાત એક કરી એકાદ-બે દિવસમાં જ તમામ ખાડા પુરાઈ ગયા હતા.

કદાચિત જો ભાવનગરમાં પાટીલ અને પટેલ ન આવ્યા હોત તો ભાવનગરની પ્રજા હજુ પણ રોડ અને ઢોરનો ત્રાસ ભોગવતી હોત. જેથી જાગૃત પ્રજાજનો પણ એકાંતરે ગાંધીનગરથી અથવા તો કેન્દ્રમાંથી રાજકીય આગેવાન ભાવનગર આવે તો ભાવેણાવાસીની સમસ્યા હળવી થાય.

અન્ય સમાચારો પણ છે...