ભાવનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં અનેક બાંધકામો થઈ રહ્યા છે. નવા બાંધકામમાં કમ્પલીશન સમયે જ કોર્પોરેશન દ્વારા માલ માલસામાન ભાડું વસૂલતા જ હોય છે પરંતુ કન્સ્ટ્રક્શન સાઇટની બહાર રોડ પર અકસ્માત સર્જાય અને ટ્રાફિકને અડચણ થાય તે રીતે માલ સામાન રાખતા હોય છે. જેથી લોકોને પણ ભારે હાડમારી વેઠવી પડે છે.
શહેરમાં હાલમાં અનેક વિસ્તારોમાં રિડેવલોપમેન્ટ અને નવુ બાંધકામ શરૂ છે. કોર્પોરેશનના નીતિ નિયમો મુજબ બાંધકામના માલસામાન કોર્પોરેશનની જગ્યામાં રાખવા માટે એક ચોરસ ફૂટે પાંચ રૂપિયા નિયત કરેલ માલ સામાન ભાડું કમ્પ્લિશન સમયે ચૂકવવામાં આવે છે. પરંતુ તેમાં પણ ખાસ કરીને ટ્રાફિકને અડચણરૂપ ન થાય અથવા તો ફૂટપાથ સહિતની જગ્યાઓ પર રાખવામાં આવેલો માલ સામાન કોઈને હાની ન પહોંચાડે તેની બિલ્ડરે તકેદારી રાખવાની હોય છે. પરંતુ અનેક જગ્યાઓ પર ફુટપાથ ઉપરાંત રસ્તા પર રાખેલો માલ સામાન ગંભીર અકસ્માત નોતરે તેવી રીતે રાખવામાં આવ્યો હોય છે. તેમજ ઘણી સાઈટો પર અડધો રસ્તો રોકાઈ જાય તેમ માલસામાન રાખવામાં આવતા ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થાય છે.
ખુદ કમિશનરે જ આજે સવારે રાઉન્ડ દરમિયાન રોડ પર રાખેલા બાંધકામના માલ સામાનનો દંડ વસૂલ કર્યો હતો. માલસામાન ભાડુ ચુકવે તેનો અર્થ ટ્રાફિકની સમસ્યા ઊભી કરવા અથવા તો ગંભીર અકસ્માત સર્જાય તે રીતે રસ્તા પર માલ સામાન રાખવાની છૂટ ના હોવી જોઈએ. જે સંદર્ભે કોર્પોરેશન દ્વારા કોઈ જાનહાની થાય તે પૂર્વે કડક કાર્યવાહી કરવી આવશ્યક બની છે.
ભાવનગર શહેરમાં કેટલાય વિસ્તારોમાં જ્યાં નવા બિલ્ડીંગો ચણાતા હોય છે ત્યાંની આજુબાજુ લોખંડના સળીયા અને અન્ય મુદ્દામાલ રસ્તા ઉપર દબાણ રૂપે રાખવામાં આવતો હોય છે જેથી અકસ્માત થવાનો ભય રહે છે.
રસ્તા પર અડચણરૂપ માટે તાકીદ કરાઈ છે
ભાવનગર શહેરમાં કોઈ પણ જગ્યા પર બાંધકામ થતું હોય તો તેના માટે કમ્પ્લીસન સમયે માલ સામાન ભાડું કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવે છે. પરંતુ ઘણી જગ્યા પર અકસ્માત સર્જાય તે રીતે અથવા તો ટ્રાફિકને અડચણરૂપ હોય તેમ રસ્તા પર માલ સામાન રાખ્યો હોય તે રાખી શકાય નહીં. જે માટે સંબંધીતોને સુચના પણ આપવામાં આવી છે.> એન.બી. વઢવાણીયા, ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.