ઘોઘા તાલુકાના કુડા ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકો ગામમાં આવેલા તળાવમાં મધ્યાહ્નન ભોજન કરેલી થાળીઓ સાફ કરતા નજરે પડ્યા હતા. જેનો વીડિયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા શિક્ષણ આલમમાં ભારે ખળભળાટી મચ્યો હતો. તેમજ આ ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ શાળાના આર્ચયએ પાણીની મોટર બળી ગઈ હોવાથી બાળકો ત્યા થાળીઓ સાફ કરવા ગયા હોવાનું જણાવ્યું હતું.
બે વર્ષના લાંબા સમય પછી 31 માર્ચથી સરકાર દ્વારા ફરી એકવાર મધ્યાન ભોજન યોજના પી.એમ.પોષણ યોજના અંતર્ગત શાળાઓમાં બાળકોને ગરમ ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેને આજે 12 દિવસ જેટલો જ સમય થયો છે, ત્યારે ઘોઘા તાલુકાની કુડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને મધ્યાન ભોજન તો કરાવવામાં આવે છે પણ પાણીની કોઈ સુવિધા જ ના હોવાને કારણે બાળકો મધ્યાન ભોજન કરેલી થાળીઓ ગામના તળાવે સાફ કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમા જોઈ શકાય છે કે, માસુમ બાળકો જીવના જોખમે તળાવના કિનારે થાળીઓ સાફ કરી રહ્યા છે. ત્યારે કોઈ પણ બાળક તળાવના પાણીમાં ડૂબી જશે અને કોઈ મોટી ઘટના બનશે તો આ માટે જવાબદાર કોણ? આવા અનેક પ્રશ્નો સાથે કુડા ગામના લોકોમાં રોષ ફેલાયો છે. જેથી જવાબદારો સામે પગલા લેવાની માંગણી કરવામાં આવી છે.
આ અંગે કુંડા પ્રાથમિક શાળાના આચાર્ય મુકેશ ડાભીએ જણાવ્યું હતું કે, શાળામાં પાણીના ટાકામાં પાણી ખૂટી ગયું હતું, બીજો ટાંકો છે ત્યાં ધોવા જવાનું બાળકોને કહ્યુ હતું પણ 7 થી 8 બાળકો તળાવમાં ધોવા ગયા હતા. રીસેસનો ટાઈમ હતો અને હું કામ અર્થે બહાર ગયો હતો. જેથી મને ખબર જ ન હતી. તેમજ પાણીની મોટર બળી ગઈ હોવાથી પાણીના ટાંકોમાં પાણી ખૂટી ગયું હતું.
તેમજ આ ઘટના અંગેના કુડા પ્રાથમિક શાળાના આચાર્ય અને કુડા ગામના પૂર્વ સરપંચના તેમજ કુડા ગામના નાગરિક અને કુડા ગામના સરપંચના કથિત ઓડિયો રેકોર્ડિંગ પણ વાઇરલ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.