ટાર્ગેટ ભાવનગર:મુખ્ય મંત્રી, ભાજપ પ્રમુખ બાદ હવે નરેન્દ્ર મોદી 30મીએ ભાવનગરમાં

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપ, કોંગ્રેસ અને ભાજપના નેતાઓના વારંવાર પડાવ
  • જવાહરમેદાન ખાતે ખાતમુહૂર્ત અને લોકાર્પણ, પક્ષ અને તંત્ર દોડતું થયું

ભાવનગર જિલ્લો ગુજરાતના રાજકારણના કેન્દ્ર બિંદુમાં હોય તેમ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ભાવનગરમાં કોઈને કોઈ મુદ્દે આવતા રહે છે. કોંગ્રેસ અને ભાજપના પ્રદેશ પ્રમુખ, ગુજરાતના મુખ્યમંત્રી બાદ હવે આગામી 30મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે.

શહેરના જવાહર મેદાન ખાતે યોજાનાર કાર્યક્રમમાં ભાવનગર શહેર અને જિલ્લાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરનાર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હજુ સત્તાવાર સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ભાજપ સંગઠન અને સરકારી તંત્ર પૂર્વ તૈયારીમાં લાગી ગયું છે.

રાજકીય રીતે ભાવનગરનું મહત્વ આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુ હોય તેમ શાસક અને વિપક્ષ બંનેના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનો સમયાંતરે કાર્યક્રમો ગોઠવાતા રહ્યા છે. કેબિનેટ શિક્ષણ મંત્રીને ટાર્ગેટ કરી આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ભાવનગરની સરકારી શાળાઓનો એક્સ-રે કાઢ્યો હતો. ત્યારબાદ લઠ્ઠાકાંડ સમયે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમજ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ભાવનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા રાજકીય ગરમાવો ફેલાયો હતો.

ત્યાર બાદ પુનઃ કેજરીવાલ અને સિસોદિયાએ શિક્ષણ અને રોજગાર સંદર્ભે સંવાદ યોજ્યો હતો. અને ત્યાર પછી ભાજપના નેતાઓની પણ લાઈન લાગી હતી. જન્માષ્ટમીમાં મુખ્યમંત્રી આવ્યા બાદ તાજેતરમાં ભાવનગરનો અભિવાદન સ્વીકારવા મુખ્યમંત્રી આવ્યા હતા. જેમની સાથે ગુજરાતના મંત્રીઓનો પણ કાફલો હતો. અને ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલના બે દિવસ ભાવનગરમાં કાર્યક્રમો યોજાયા હતા. અ‍ામ છેલ્લા ઘણા સમયથી વિધાનસભાની ચૂંટણી માટે ભાવનગર ટાર્ગેટ બન્યું હોય તેમ નેતાઓના વારંવાર આટા ફેરા હોય છે.

ત્યારે સપ્ટેમ્બર મહિનાના અંતમાં સંભવિત 30 મીના રોજ ભાવનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. જેઓ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાના મહત્વલક્ષી પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. શહેરના જવાહર મેદાન ખાતે કાર્યક્રમની પૂર્વ તૈયારીરૂપે સાફ-સફાઈ અને દબાણ હટાવની કામગીરી હાથ ધરી છે.

વડાપ્રધાન મોદીના સંભવિત કાર્યક્રમને લઇ ભાજપ સંગઠનમાં પણ મિટિંગોનો દોર શરૂ થયો છે. જ્યારે સરકારી તંત્ર પણ દોડતું થયું છે. ભાવનગર સાથે અમરેલી અને બોટાદ જિલ્લાને પણ કાર્યક્રમમાં સમાવિષ્ટ કરવાનું આયોજન ઘડાઇ રહ્યું છે. આગામી 29 અને 30 સપ્ટેમ્બર વડાપ્રધાન મોદીનો ગુજરાતમાં પ્રવાસ નિશ્ચિત છે. પરંતુ કાર્યક્રમ સંદર્ભે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સંભવિત ખાતમુહૂર્ત અને લોકાર્પણ ?
> સીએનજી ટર્મિનલ પ્રોજેક્ટ
> કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબ
> સાયન્સ મ્યુઝિયમ
> રીંગ રોડ, ટાઉનહોલ
> એસ.ટી. સ્ટેન્ડ
ભાવનગર સાથે થયેલા અન્યાય પર ધોલેરા ભેળવવાનો મલમ લગાવાશે
ભાવનગર સાથે વર્ષોથી જુદી જુદી સુવિધાઓ અને વિકાસ કાર્યો માટે અન્યાયની લાગણીનો સૂર વહેતો રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ભાવનગર આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવેણાની પ્રજાના માનસ પટ પર છવાયેલી અન્યાયની લાગણીને ભૂંસવા કદાચિત વિકાસનું કેન્દ્રસ્થાન બનેલા ધોલેરાને ભાવનગરમાં ભેળવવા માટેની જાહેરાત પણ કરી શકે તેવી રાજકીય તજજ્ઞોની ગણતરી છે.

અન્ય સમાચારો પણ છે...