જૈનની તીર્થનગરી પાલિતાણા સીસીટીવીમાં તોડફોડ મામલે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે વધુ એક વખત ચર્ચામાં આવી છે. લગ્નની દાવતમાં 100થી 150 લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. રવિવારે સાંજે યોજાયેલા લગ્ન પ્રસંગમાં એક હજારથી વધુ લોકોએ ચિકન, મટન, બિરયાની સહિતનું નોનવેજ ભોજન આરોગ્યું હતું, સફરજનનો હલવો અને છાશ આરોગતાં 150થી વધુ લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઇ હતી. લોકોને ઊલટીઓ થતાં માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બેડ ખૂટી પડ્યાં હતાં.
સૌથી વધુ બાળકો ફૂડ-પોઇઝનિંગના ભોગ બન્યા
પાલિતાણા શહેરમાં રહેતા અને અને ગારિયાધાર રોડ પર પાન-માવાની દુકાન ધરાવતા મહેતરના આંગણે લગ્નનો પ્રસંગ હતો, જેથી પાલિતાણાના તળાવ વિસ્તારમાં આવેલા જમાત ખાનામાં દાવતનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 1 હજારથી વધુ લોકોએ સફરજનનો હલવો, છાશ, ચિકન બિરયાની મટન સહિતનું નોનવેજ ભોજન આરોગ્યુ હતું, જેમાં 150થી વધુ લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઇ હતી, એમાં સૌથી વધુ બાળકોનો સમાવેશ થાય છે.
પાલિતાણા-ભાવનગર અને પ્રાઈવેટ હોસ્પિટલમાં દર્દીઓને ખસેડાયા
દાવતમાં ભોજન બાદ પ્રથમ બાળકોને ઝાડા-ઊલટી સાથે તબિયત લથડતાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન એક બાદ એક બાળક અને ત્યાર બાદ યુવાનો મહિલાઓ અને વૃદ્ધોએ પણ ઝાડા-ઊલટી સહિતની ફરિયાદ કરતાં જોતજોતાંમાં 150થી વધુ લોકોને આ પ્રકારે ખોરાકની ઝેરી અસરનાં લક્ષણો વર્તાતા સમગ્ર સ્થિતિને પારખીને સ્થાનિક પ્રશાસન તથા સામાજિક કાર્યકરો મદદે દોડી આવ્યા હતા. અનેક લોકોને ફૂડ-પોઇઝનિંગ થતાં પાલિતાણા, ભાવનગર અને પ્રાઈવેટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં લોકોની ભીડ જોવા મળી
સ્થાનિક ઈકબાલભાઈએ જણાવ્યું હતું કે પાલિતાણાના પ્રસંગમાં જમણવાર હતો, જેમાં લોકોને ફૂડ- પોઇઝનિંગની અસર થતાં માનસિંહજી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે કોઈને ખાનગીમાં તો કોઈ ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા. ફૂડ-પોઇઝનિંગનો ભોગ બનેલા લોકો પાલિતાણાના પરીમલ, નવાગઢ અને 50 વારિયા વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક સામાજિક કાર્યકરો, રાજકીય પક્ષના નેતાઓએ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મોડી રાત સુધી પાલિતાણાની હોસ્પિટલમાં લોકોની ભીડ જોવા મળી હતી. મહત્ત્વનું છે કે આ ઘટનામાં કોઈ ગંભીર દર્દી હોવાનું સામે આવ્યું નથી, જેને લઈ લોકો અને તંત્રમાં રાહત થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.