બાપાનો મહોત્સવ:મહુવામાં ધામધુમથી ઉજવાયા બાદ આજે ગણપતિ વિસર્જન યાત્રા નિકળશે

મહુવા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવા શહેર અને તાલુકામાં ઉજવાઇ રહેલો બાપાનો મહોત્સવ
  • ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા ઉત્સવનું આજે થશે ભવ્યતાથી સમાપન

મહુવા શહેર અને તાલુકામાં ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે વિધ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ ગજાનંદનો શરૂ થયેલ મહોત્સવ દરેક જગ્યાએ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ મહોત્સવ અંતર્ગત આજે તા.9ને શુક્રવારે સવારથી જ અલગ અલગ ગણપતિ ગ્રુપ દ્વારા ગણપતિની વિસર્જન યાત્રા શહેરના રાજમાર્ગો ઉપર પસાર થઇ દરીયા તથા નદીમાં વિસર્જન કરવામાં આવશે.

મહુવામાં વિવિધ ગણપતિ ગ્રુપ દ્વારા ગણપતિ ભગવાનને અન્નકૂટ ધરવામાં આવેલ હતો તેમજ પરશીવલપરા, બાપાસિતારામ ગ્રુપ દ્વારા આયોજીત ગણેશ ઉત્સવ સમિતિમાં આકર્ષક શણગાર સાથે ગણપતિજી બિરાજમાન છે. ખારગેટ ખાતે ગજાનન ગ્રુપ દ્વારા કેદારનાથ ઝાંખીએ આકર્ષણ ઉભુ કરાયુ છે. જેના દર્શનનો લાભ લેવા શહેરના જુદા જુદા વિસ્તારમાં માનવ મહેરામણ દાદાના દર્શને ઉમટી રહ્યા છે.

વિસર્જન યાત્રા શહેરના રાજમાર્ગ ઉપર આજે પસાર થશે વિસર્જન યાત્રામાં શહેર અને આસપાસના તાલુકાના વિવિધ ગામોમાં યોજાયેલ ગણેશ મહોત્સવના ગણપતિજીના પ્રતિમાઓ અને શહેરની શેરીએ-શેરીએ, ગલીએ-ગલીએ યોજાયેલ ગણેશ મહોત્સવના ગપણતિજીની મૂર્તિ સાથે જે તે વિસ્તારના ગણેશ મહોત્સવ સમિતિના સભ્યો, ભાઇઓ, બહેનો અને બાળકો ભારે આસ્થા અને શ્રધ્ધા સાથે જુદા-જુદા શણગારેલા વાહનો અને પગપાળા બહોળી સંખ્યામાં જોડાશે.

તળાજામાં પણ આજે ભવ્ય વિસર્જન યાત્રા
તળાજામાં રણભૂમિ જીવદયા ગ્રુપ દ્રારા ગણપતિ વિસર્જનની ભવ્ય સંયુક્ત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. તળાજા શહેરમાં જુદાજુદા ધાર્મિક યુવક મંડળો દ્વારા દરેક વિસ્તારમાં શ્રદ્ધા અને ભક્તિથી સ્થાપિત કરેલા ગણપતિ બાપાની આકર્ષક પ્રતિમાઓના સામૂહિક વિસર્જન માટેની શોભાયાત્રા આજે સવારે 11 કલાકે યાત્રાનો વ્યાયામ શાળા ( અખાડા )ના મેદાનમાંથી ભવ્યતા પૂર્વક ધામધૂમથી નીકળશે.

અન્ય સમાચારો પણ છે...