નાસતી ફરતી આરોપી ઝડપાઈ:વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ વોન્ટેડ જાહેર થયેલી ગારીયાધારની મહિલાને પેરોલ ફર્લો સ્કવોડ તેમજ એલસીબીની ટીમે ઝડપી જેલ હવાલે કરી

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા જેલમાં કાચાં કામની કેદી તરીકે સજા કાપી રહેલી મહિલા ગત વર્ષે જામીન પર મુક્ત થઈ હતી
  • જામીન અવધિ પૂર્ણ થયા બાદ મહિલા આરોપી જેલમાં હાજર થવાને બદલે નાસતી ફરતી હતી

ભાવનગર જિલ્લા જેલમાં કાચાં કામની કેદી તરીકે સજા કાપી રહેલી મૂળ ગારીયાધારની મહિલા ગત વર્ષે વચગાળાના જામીન પર મુક્ત થઈ હતી. આ દરમિયાન જામીન અવધિ પૂર્ણ થયા બાદ મહિલા આરોપી જેલમાં હાજર થવાને બદલે નાસતી ફરતી હતી. જેથી પેરોલ ફર્લો સ્કવોડ તથા એલસીબીની ટીમે સુરત ખાતે રહેતા તેનાં ભાઈના ઘરેથી ઝડપી જેલ હવાલે કરી હતી.

આ સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ગારીયાધારની વતની અને હાલમાં મહિસાગર જિલ્લાના લૂણાવાડા તાલુકાના થર્મલ ગામે રહેતી ધર્મિષ્ઠા અરવિંદ પરમાર વિરુદ્ધ ભાવનગર જિલ્લામાં છેતરપીંડી- વિશ્વાસઘાત અંગે ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે ધર્મિષ્ઠાની ધડપકડ કરી ભાવનગર જિલ્લા જેલમાં મોકલી હતી.

આ દરમિયાન ગત વર્ષે કોરોના મહામારીને પગલે મહિલા આરોપી જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થઈ હતી અને ગત તારીખ 31-12-2020ના રોજ તેને પુનઃ જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે હાજર થઈ ન હતી અને વારંવાર પોતાના રહેઠાણ બદલતી રહેતી હતી. જેને પગલે પોલીસે મહિલાને વોન્ટેડ જાહેર કરી હતી. આ દરમિયાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે મહિલા સુરત શહેરમાં રહેતા તેનાં ભાઈના ઘરે હાલમાં રહે છે. જેથી પેરોલ ફર્લો સ્કવોડ તથા એલસીબીની ટીમે સુરત શહેરના પૂણાગામ સ્થિત શગુન રેસીડેન્સી માથી મહિલા આરોપીને ઝડપી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો દરમ્યાન રીપોર્ટ નેગેટિવ આવતા પોલીસે મહિલાને જેલમાં મોકલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...