જાગૃતિ જરૂરી:94 દિવસના ગાળા બાદ શહેરમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળ્યા

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલ અને બેન્કના કર્મચારી પોઝિટિવ
  • અગાઉ 9 માર્ચે ચાર પોઝિટિવ કેસ મળ્યા બાદ કોરોનાની લહેર શાંત પડી હતી

ભાવનગર શહેરમાં જૂન માસમાં ધીમી ગતિએ કોરોનાની પકડ વધી રહી છે જે ચિંતાજનક છે. સાથે લોકોમાં હવે કોરોના પ્રત્યે જાગૃતિ પણ રહી નથી. ખાસ કરીને માસ્ક પહેરવાનું તો સાવ ભુલાઇ ગયું છે. સોશિયલ ડીસ્ટન્સ તથા સેનેટાઇઝરનો ઉપયોગ પણ ભુલાઇ ગયો છે. આ સંજોગોમાં ઉનાળુ વેકેશન બહારના રાજ્યો કે મહાનગરોમાં વિતાવીને ભાવનગર પરત ફરતા લોકોમાં ખાસ તકેદારી રાખવી જરૂરી છે.

સાથે કોરોનાના જરા પણ લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવી લેવો હિતાવહ છે. ગત તા.9 માર્ચે ભાવનગર શહેરમાં કોરોનાના એક સાથે ચાર કેસ મળ્યા બાદ કોરોનાની લહેર શાંત પડી ગયા બાદ હવે 94 દિવસના લાંબા સમયગાળા બાદ આજે ભાવનગર શહેરમાં કોરોના પોઝિટવના એક સાથે બે કેસ નોંધાયા છે. હાલ ભાવનગર શહેરમાં કોરોનાના 4 કેસ સારવારમાં છે.

ભાવનગર શહેરમાં આજે બે પોઝિટિવ કેસ મળ્યા છે. જેમાં શહેરના જ્વેલ્સ સર્કલ વિસ્તારમાં આવેલી મેઘદૂત સોસાયટીમાં રહેતા અને સર ટી. હોસ્પિટલમાં ફરજ બજાવતા 30 વર્ષીય મહિલાને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરવામાં આવતા તેઓને કોરોના પોઝિટિવ જાહેર કરાયા છે. તેઓ રાજસ્થાનથી ભાવનગર પરત ફર્યા બાદ કોરોનાના સકંજામાં સપડાયા છે.

અન્ય એક કેસ ભાવનગર શહેરમાં ભરતનગર ચોકડી ખાતે રહેતા અને બંધન બેન્કમાં ફરજ બજાવતા 46 વર્ષીય પુરૂષને કોરોનાના લક્ષણો દેખાતા તેમનો પણ ટેસ્ટ કરાતા કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા. આ, આજે શહેરમાં બે કેસ નોંધાયા હતા. જો કે ભાવનગર જિલ્લાના 10 તાલુકા પૈકી ક્યાંય કોરોનાનો કેસ નોંધાયો નથી જેથી ભાવનગર વિસ્તાર હજી સંપૂર્ણપણે કોરોનામુક્ત છે.

ભાવનગર શહેરમાં રિકવરી રેઇટ 99.07 ટકા
ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 208925 કેસ નોંધાયા છે અને આ પૈકી કુલ 20697 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા ભાવનગર શહેરમાં કોરોનામાં સાજા થવાનો દર 99.07 ટકા છે. હાલ ભાવનગર શહેરમાં ચાર દર્દીઓ કોરોનાની સારવારમાં છે.

અન્ય સમાચારો પણ છે...