આખરે નિર્ણય લેવાયો:12 વર્ષ બાદ સરકારી પ્રાથમિક શાળાઓમાં સંગીતના શિક્ષકોની ભરતી કરાશે

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવારની રજૂઆત બાદ આખરે નિર્ણય લેવાયો
  • રૂ.9000ના માનદ વેતનથી 1753 સંગીતના શિક્ષકોની કરાર આધારિત ભરતી કરવાનો નિર્ણય

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં સંગીત અને ચિત્રના કાયમી શિક્ષકોની ભરતી 12 વર્ષથી બંધ છે. આથી વ્યાયામ અને ચિત્રોના શિક્ષકોની પ્રાથમિક શાળાઓમાં માત્ર માનદ વેતનથી ભરતી કરવામાં આવતી હતી પણ હવે સરકારે વખતો વખતની રજૂઆત બાદ સરકારી પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત સંગીત શિક્ષકો ભરવા માટે નિર્ણય કર્યો છે જેથી માસિક રૂપિયા 9,000ના માનદ વેતનથી 1,753 સંગીત શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે.

સંગીત શિક્ષકોની નિમણૂકોનો સમય ગાળો આવતીકાલ તા. 8 ઓગસ્ટ, 2022થી 30 એપ્રિલ, 2023 દરમિયાન રહેશે. શિક્ષણ વિભાગના નિયામકની કચેરી દ્વારા જણાવાયું છે કે સંગીતના શિક્ષકોને એક પિરિયડ દીઠ રૂપિયા 50ના માનદ વેતન સાથે એક દિવસમાં વધુમાં વધુ 6થી 8 પિરિયડ લઈ શકશે અને મહિને રૂપિયા 9,000 સુધીનો પગાર આપવાનો રહેશે.

ઉમેદવારોની વય મર્યાદા 38 વર્ષની રહેશે. આવા શિક્ષકો માટેની નિયુક્તિ કેન્દ્રીય શાળા દ્વારા કરવામાં આવશે અને કાર્યભારની સોંપણી વખતે ધોરણ 6થી 8ના પિરિયડની ફાળવણી કરવાની રહેશે. ત્યારબાદ ધોરણ 1થી 5ના પિરિયડની ફાળવણી કરવામાં આવશે. જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેને અગ્રતા આપવામાં આવશે તેમ પણ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...