તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણનો વારસો:ભાવનગર રાજયની સર્વ પ્રથમ આલ્ફ્રેડ હાઇસ્કૂલનો 8મીએ 150માં વર્ષમાં પ્રવેશ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરની આલ્ફ્રેડ હાઇસ્કૂલની 149 વર્ષની ગૌરવપૂર્ણ સફર પૂર્ણ કરીને આગામી તા.8 જુલાઇ ગુરૂવારના રોજ 150માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે આલ્ફ્રેડ હાઇસ્કૂલના ભવ્ય અતિતનુ સ્મરણ કરીને ગૌરવજ્ઞાન કરવાનુ પ્રાસંગિક અને સમયોચિત બની રહેશે 150માં વર્ષ મંગળ પ્રવેશ નિમિતે આલ્ફ્રેડ શાળાના ભવ્યતાના સંસ્મરણો તાજા થવા સ્વાભાવિક જ છે.

ભાવનગર રાજયની સર્વ પ્રથમ પ્રાથમિક શાળા ઇ.સ.1851માં શરૂ થઇ પાંચ વર્ષ પછી એટલે કે ઇ.સ.1856માં એન્ગ્લો વર્નાકયુલર અંગ્રેજી ત્રણ ધોરણ સુધીની શાળા ખોલવામાં આવી શાળાનો ક્રમશ: વિકાસ થવા લાગ્યો અંગ્રેજી ભણેલાઓની વહીવટમાં જરૂર ઉભી થઇ હતી જનતા આ લાભ લેવા પોતાના સંતાનોને અંગ્રેજી શાળાઓમાં દાખલ કરવા માંડયા હતા. પરીણામે ભાવનગરમાં એક માધ્યમિક શાળાની જરૂરીયાત ઉભી થઇ હતી. ભાવનગરના મહારાજાએ માધ્યમિક શાળાના મકાન માટે રૂા.75000 આપવાની ઉદાર યોજના જાહેર કરી હતી. જસવંતસિંહજી સ્વર્ગવાસ પામતા આ યોજનાને અમલમાં મુકવાનુ કામ મહારાજા તખ્તસિંહજીની સગીર અવસ્થામાં તે વખતના પ્રસિધ્ધ દિવાન ગૌરીશંકર ઓઝા અને સંયુકત અંગેજી વહીવટદાર પર્સીવલે ઉપાડી લીધુ.

બ્રિટીશ સામ્રાજયના મહારાણી વિકટોરીયાના બીજા પુત્ર આલ્ફ્રેડ અર્નેસ્ટ આલ્બર્ટ ડયુક ઓફ એડીનબરો આ અરસામાં હિંદની યાત્રાએ આવેલ તેની યાદગીમાં શાળાનુ નામ આલ્ફ્રેડ પસંદ કરવામાં આવ્યુ. ઇ.સ.1872ના જુલાઇની 8મી તારીખે મોતીબાગ રાજમહેલમાં આ સંસ્થાનુ વિધિસરનુ ઉદઘાટન થયુ ભાવનગર રાજયના તે વખતના અધિકારી અને પ્રતિષ્ઠીત નાગરીકોની હાજરીમાં ભારે ઉત્સાહ વચ્ચે આ વિધિ થઇ આદ્ય પ્રાચાર્ય તરીકે કોલ્હાપુરના અને ધરમપુરના રાજયગુરૂ જમશેદજી નવરોજજી ઉનવાળાની પસંદગી થઇ.

આલ્ફ્રેડ હાઇસ્કૂલનુ આદ્ય મકાન 1877માં સંપૂર્ણ થયુ. રાજપુત સેરેસેનિક મિશ્ર સ્થાપત્યના આ વિદ્યામંદિરમાં આયોજકો અને કારીગરોએ કોર, કમાન, કાંગરી, ધૂમટ, સ્તંભો વિગેરે દિલ રેડીને જે રોનક બાંધણી કોતરકામ અને સર્વદેશીય જરૂરીયાત અને વિગતો પુરી પાડી છે. તે ભારે ચિતાકર્ષક અને ભવ્ય દેખાય છે.

શાળાની ખરી મુડી તેના વિદ્યાર્થીઓ છે. આલ્ફ્રેડ હાઇસ્કૂલના 149 વર્ષના વિદ્યાર્થીઓનુ જૂથ દુનિયાના ખૂણે ખૂણે પોતાની પ્રવૃતિઓ કરીને એક વિશિષ્ટ છાપ ઉપસાવી શકયુ છે. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, વિજયરાવભાઇ વૈદ્ય, રામનારાયણ, વિશ્વનાથ પાઠક, નાનાલાલ દવે જેવા સાહિત્યકારો અને કવિઓ મનુભાઇ નંદશંકર મહેતા, બળવંતરાય ગોપાળી મહેતા, જાદવજીભાઇ મોદી જેવા રાજનીતિજ્ઞ વ્યકિતઓ, લલ્લુભાઇ શામળદાસ જેવા અર્થશાસ્ત્રીઓ, હરિલાલ જેકીનદાસ કણીયા જેવા ન્યાયમૂર્તિઓ, વીરચંદ રાધવજી ગાંધી જેવા તત્વજ્ઞઓ, રવિશંકર રાવળ જેવા કલાગુરૂઓ, ઠક્કરબાપા જેવા સમાજસેવકો અને શિક્ષણકારો નાનાભાઇ ભટ્ટ, ગીજુભાઇ બધેકા હરભાઇ ત્રિવેદી જેવી ત્રિપુટી આ સંસ્થાનુ ખરૂ ધન છે.

હાલમાં ધો.9 થી 12નુ શિક્ષણ અપાય છે. કાઠીયાવાડની સૌથી જુની આ શાળા 8મી જુલાઇના 150માં વર્ષમાં પ્રવેશ કરશે. ભૂતપૂર્વ વિદ્યાર્થી કવિ કિસ્મત કુરેશીના શબ્દોમાં કહીએ તો દિવાનપરાની આ ડોશી કયારેય વૃધ્ધ થવાની નથી.

અન્ય સમાચારો પણ છે...