ખાશો તો ખાટલે જશો:પાણીપુરી સાથે લોકો ઝાપટે છે એસિડિક પાણી, બેક્ટેરિયાવાળા બટેટા, 33% નમુના ફેઈલ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાદ્ય પદાર્થોની સરકારની ટેસ્ટીંગની મંદ પ્રક્રિયા લોકોના સ્વાસ્થ્ય માટે અસુરક્ષિત
  • જાહેર રોડ, ફુટપાથ પર છડે ચોક અખાદ્ય ચિજવસ્તુથી લોકોના આરોગ્ય સાથે ચેડા, તંત્ર નમુનાની જેમ નમુના લે છે

શહેરના ગલી ખાંચાએ અને પબ્લિક થી ધમધમતા વિસ્તારોમા પાણીપુરીની લારીઓ ઠેર ઠેર જોવા મળે છે અને તેના પર મધપૂડાની જેમ લોકો બિન્દાસ રીતે પાણીપુરી આરોગતા હોય છે. પરંતુ મોટાભાગની આ પાણીપુરી લોકોના આરોગ્ય માટે ખતરારૂપ પણ સાબિત થાય છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીની લારીઓ પર ડ્રાઈવ કરી લીધેલા નમુનામાં પણ 33 % ફેઈલ ગયા. એટલે કે, તે લોકોને ખાવાલાયક જ નથી. છતાં તેની સામે કાર્યવાહી પણ થતી નથી. અને લોકોમાં જાગૃતિ પણ આવતી નથી.

ભાવનગર શહેરના માર્ગો પર હાલમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે અને લોકો નજર સામે ગંદવાડ અને આરોગ્ય માટે ખતરારૃપ દેખાતું હોવા છતાં સ્વાસ્થ્ય માટે હાનિકારક ખાદ્ય પદાર્થોને ઝાપટતા હોય છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સરકારમાંથી સૂચના આવે ત્યારે અને ફરિયાદના આધારે ખાદ્ય પદાર્થોના નમુનાઓ લઇ સરકારની લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. અને લાંબી લચ પ્રક્રિયા બાદ તેનું રિઝલ્ટ જાહેર કરી દંડનીય કાર્યવાહી કરાઈ છે.

તેવી જ રીતે ગત જુલાઇ માસમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પાણીપુરીના 107 નમૂના લીધા હતા જે પૈકી 96 નમૂનાના રિઝલ્ટ આવ્યા અને તેમાં પણ 36 નમૂના ફેલ ગયા. જેમાં મસાલામાં, બટેટામાં અને પાણીમાં ભેળસેળ હતી અને લોકોના આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઇ હતી. ઘણા માં બટેટામાં બેક્ટેરિયા તો પાણીમાં એસિડનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. માત્ર જાહેર રસ્તાઓ પર રખડતી ભૈયાજીની પાણીપુરીની લારીઓ જ નહીં પરંતુ ફુડ રજીસ્ટ્રેશન થયેલી દુકાનો અને રેસ્ટોરન્ટમાં પણ અખાધ્ય ચીજવસ્તુઓ મળી હતી.જેમાં 5 રજીસ્ટ્રેશન થયેલી દુકાનો પૈકી 3 નમુના ફેઈલ ગયાં હતાં.

અખાદ્ય ચીજવસ્તુ સામે કેસ થશે
પાણીપુરી અને ખાણીપીણીની લારીઓમાં જે નમૂનાઓ લીધા છે અને ફેલ થયા છે તે તમામ પર કાયદેસરની કાર્યવાહી અને કેસ કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ ખાદ્ય પદાર્થોનું સતત ચેકિંગ શરૂ રહેશે. - ડો.આર.કે. િસન્હા, મુખ્ય આરોગ્ય અધિકારી

જેલમાં, આંગણવાડીમાં ચેકિંગ
ખાનગી તો ઠીક પરંતુ સરકારને જાણે પોતાના એકમો પર જ વિશ્વાસ ન હોય તેમ સરકારે સૂચના આપ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા 13 રેશનિંગની દુકાનો, 3 આંગણવાડી અને 2 જિલ્લા જેલમાંથી નમૂના લીધા હતા. જોકે હજુ સુધી તેના રીઝલ્ટ બહાર પડ્યા નથી.

સંલગ્ન વિભાગો દ્વારા કડક કાર્યવાહી કરો, કમિશનર સમક્ષ ચેરમેનની હૈયાવરાળ
શહેરમાં ઠેર-ઠેર ખડકાયેલી ખાણીપીણીની લારીઓના ન્યુસન્સ માટે કોર્પોરેશનની આરોગ્ય કમિટીના ચેરમેન રાજેશભાઈ પંડ્યા દ્વારા કમિશનરને પત્ર લખી નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી ખાણીપીણીની લારીઓ સામે સંલગ્ન વિભાગોનું સંકલન કરી કડક કાર્યવાહી કરવા જણાવાયું છે. બાગ-બગીચા અને ફૂટપાથ પર અડિંગો જમાવેલી લારીઓને કારણે લોકોને પણ અવરજવરમાં મુશ્કેલી પડવા સાથે ખાણીપીણીની લારીઓ દ્વારા આસપાસમાં ગંદકી પણ ફેલાવાતી હોવાનું જણાવ્યું છે.

ફેક્ટ ફાઈલ
નમૂના લીધા :290​​​​​​​
ફેઈલ :​​​​​​​ 41​​​​​​​
પાણીપુરીના નમૂના :107
રોડ પરની લારીઓ :102

અન્ય સમાચારો પણ છે...