સજા:ભાવનગરમાં એક વર્ષ પહેલાં થયેલી હત્યાના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • જન્મ દિવસની ઉજવણીની પાર્ટીમાં બોલાચાલી બાદ યુવકની હત્યા કરાઇ હતી

એક વર્ષ પૂર્વે ભાવનગરની મુખ્ય બજારમાં આવેલી હિંમત પુરી-શાકવાળાની નજીક ચકુ મહેતાની ખડકીમાં રાત્રીના સમયે જન્મ દિવસની ઉજવણીની પાર્ટીમાં મિત્રો વચ્ચે થયેલી બોલાચાલીમાં ગોપાલ ઉર્ફે ડોંગર નામના બર્થડે બોયની હત્યા થઇ હતી. જે અંગેનો કેસ આજે ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીને આજીવન કેદ અને રોકડ દંડ ફટકાર્યો હતો.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.27-6-2021ના રોજ પ્રભુદાસ તળાવ, મફતનગર ખાતે રહેતા ગોપાલ ઉર્ફે ડોંગર જીતુભાઇ રાઠોડ (ઉ.વ.27)નો જન્મદિવસ હોય તેના મિત્રો ભેગા મળી રાત્રે શેરડીપીઠના ડેલાની પાછળ હિંમત પુરી-શાકવાળાની નજીક ચકુ મહેતાની ખડકીમાં જન્મદિવસની ઉજવણીની પાર્ટી માટે ભેગા થયા હતા અને પાર્ટી કરી હતી.

ત્યારબાદ થોડા મિત્રો જતા રહ્યા હતા અને થોડા રોકાયા હતાં જેમાં વિશાલ ઉર્ફે લાંબો મુળજીભાઇ ગોહેલ સાથે ગોપાલને બોલાચાલી થતા ઝઘડો થયેલ અને ગાળાગાળી થતા રોડ પર આવી ગયેલ જેમાં ઉશ્કેરાઇ જઇ વિશાલ ઉર્ફે લાંબાએ બર્થડે બોય ગોપાલ ઉર્ફે ડોંગરને આડેધડ છરીઓના ઘા ઝીંકી દીધા હતાં. જેમાં વચ્ચે પડતા પ્રકાશ ઉર્ફે હરકતને પણ ઇજા થઇ હતી. ગંભીર ઇજા સાથે ગોપાલનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પરિણામ્યો હતો.

આ બનાવ અંગે ફરીયાદી રંજનબેન ડો/ઓ જીતુભાઈ લાલજીભાઈ રાઠોડ ગંગાજળીયા પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવતા આ કામના આરોપી સામે ઈ.પી.કો.કલમ - 302, 324, 504 અને જી.પી.એકટની કલમ-135 મુજબનો ગુનો દાખલ કરવામાં આ્યો હતો. જે કેસ આજે સેશન્સ અદાલત આર.ટી.વચ્છાણીની કોર્ટમા ચાલી જતા જિલ્લા સરકારી વકીલ મનોજ જોષીની દલીલો તથા 18 સાહેદોના મૌખિક પુરાવાઓ અને 43 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ સેશન્સ જજ આર.ટી.વચ્છાણી આરોપીને આજીવન કેદ તથા દંડની રકમ કુલ રૂપીયા 13 હજાર 100 ચુકવવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...