ભાવનગર જિલ્લાના ઘાંઘળી નજીક મીની બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતા પતિ-પત્નીના મોત નીપજ્યાં હતાં. બાઈક પર સવાર દંપતી દર્શનાર્થે જઈ રહ્યાં હતાં. ત્યારે અકસ્માત થતાં બંનેના સ્થળ પર જ મોત નિપજ્યાં હતાં. બીજી તરફ ગોંડલના જામવાડી પાસે શ્રમિકો ભરેલી ખાનગી બસ વોંકળામાં ખાબકતા અકસ્માત થયો હતો. જો કે તમામ શ્રમિકોને સ્થાનિકોએ મોતના મુખમાંથી બચાવી બસમાંથી બહાર કાઢ્યાં હતાં.
પોલીસે બંનેના મૃતેદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી
મહુવા તાલુકાના કરમદીયા ગામે રહેતાં એભલભાઈ ગેમાંભાઈ ડાભી (ઉં.વ. 35) અને શોભાબેન એભલભાઈ ડાભી (ઉં.વ.30) નવરાત્રિ નિમિત્તે બાઈક પર સવાર થઈને ઉમરાળાના ચોગઠ ગામે માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યાં હતાં. ત્યારે શિહોરના ઘાંઘળી નજીક આવેલી કેબી ઇસ્પાત ફેકટરી પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે મીની બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં પતિ-પત્ની બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. મૃતક એભલભાઈ ગેમાંભાઈ ડાભી અને શોભાબેન એભલભાઈ ડાભીને સંતાનમાં બે દીકરી અને એક દિકરો હોવાનું અને મુળ ચોગઠ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બંનેના મોત નીપજતાં નવરાત્રીના પર્વમાં ત્રણ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ તો પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગોંડલના જામવાડી પાસે ખાનગી બસ વોંકળામાં ઉતરી ગઈ, શ્રમિકોનો મોતના મુખમાંથી બચાવ
રાજકોટ જિલ્લાના જામવાડી નજીક ખાનગી બસ પાણી ભરેલા વોંકળામાં ઉતરી જતાં અકસ્માત થયો હતો. ખાનગી બસમાં મજૂરો સવાર હતા. જેથી સ્થાનિકોની મદદથી તમામ મજૂરોને મોતના મુખમાંથી બચાવી બસમાંથી બહાર ઉતારવામાં આવ્યાં હતાં. જો કે આ ઘટમાં કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યાં હતાં.
(ભરત વ્યાસ-ભાવનગર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.