અકસ્માત:ભાવનગરમાં કાર અને સ્કુટર વચ્ચે અકસ્માત, ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્કુટર ચાલક મહિલાનું મોત

ભાવનગર4 મહિનો પહેલા
  • વહેલી સવારે સુભાષનગરથી કામ પર જઈ રહેલી મહિલાને કાર ચાલકે અડફેટે લીધી
  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી

ભાવનગર શહેરના મૂનિડેરી વિસ્તારમાં વહેલી સવારે કાર અને સ્કુટર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક મહિલાનું મોત થયું છે. કાર ચાલકે સ્કુટર ચાલક મહિલાને અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન તેણીએ દમ તોડ્યો હતો.

આ સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટીમાં રહેતી જ્યોતિબેન સવજીભાઈ ચૌહાણ ઉ.વ.52 આજરોજ સવારે નિત્યક્રમ મુજબ પોતાના ઘરેથી પ્લેઝર સ્કુટર લઈને નોકરી પર જવા નિકળ્યાં હતા. આ દરમિયાન મૂનિડેરી રોડપર એક કાર ચાલકે મહિલાનાં સ્કુટરને અડફેટે લેતાં મહિલા રોડપર પટકાઈ હતી. જેમાં તેને માથા સહિતનાં ભાગે નાનીમોટી ઈજા પહોંચી હતી. જેથી રાહદારીઓએ 108 મારફતે તત્કાળ સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં મહિલાને ખસેડી હતી. જયાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

આ બનાવની જાણ બી- ડીવીઝન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...