અકસ્માત:ભાવનગરના તળાજામાં પાવઠી રોડ પર રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત, દિવાળી બાદ યુવકના લગ્ન નક્કી થયા હતા, ઘટના CCTVમાં કેદ

ભાવનગરએક વર્ષ પહેલા
અકસ્માતની ઘટના cctvમાં કેદ - Divya Bhaskar
અકસ્માતની ઘટના cctvમાં કેદ
  • ઈજાગ્રસ્ત 3ને સારવાર માટે તળાજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

ભાવનગરના તળાજા પાવઠી રોડ પર છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈકસવાર યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે છકડામાં સવાર ત્રણને ઈજાઓ પહોંચતા સારવાર માટે તળાજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. મૃતક યુવકના દિવાળી બાદ લગ્ન નક્કી થયા હતા. ત્યારે આજે યુવકનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જો કે અકસ્માતની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.

ઇજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર માટે ખસેડાયા
ઘટનાની વિગત અનુસાર તળાજાના શેળાવદર ગામેથી મજુરોને છકડો રીક્ષામાં બેસાડી તળાજા તરફ આવી રહ્યો હતો. ત્યારે તળાજામાં પાવઠી રોડ પર છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત થતાં સખવદર ગામે રહેતો સંજયભાઈ મગનભાઈ શિયાળ (ઉં.વ.20) નામના બાઈકચાલકનું મોત નીપજ્યું હતું અને છકડામાં સવાર ત્રણને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તળાજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સંજયભાઈના મોતના સમાચાર તેમના પરિવારને અને સખવદર ગામે પહોંચતા ગમગીની છવાઈ ગઈ હતી.

દિવાળી બાદ મૃતક યુવક અને તેમની બે બહેનોના લગ્ન નક્કી થયા હતા
સખવદર ગામે રહેતો અને તળાજામાં કપડા સિલાઈનું કામ કરતો સંજયભાઈ મગનભાઈ શિયાળ નામનો યુવક બાઈક પર સખવદરથી તળાજા આવવા માટે નીકળ્યો હતો અને રસ્તામાં અકસ્માત થતાં મોત નીપજ્યું હતું. ઘટનાની કરૂણતા એવી છે કે સંજયભાઈ અને તેમની બે બહેનોના દિવાળી પછી લગ્ન નક્કી થયેલા હતાં. ઘરમાં લગ્નનો ઉત્સાહ અને ઉમંગ ભરેલો માહોલ હતો ત્યારે યુવકનું મોત થતાં માતમ છવાઈ ગયો છે.

(ભરત વ્યાસ-ભાવનગર)