સ્ટેડિયમમાં ખામી:ભાવનગરના ઇનડોર સ્ટેડિયમમાં એ.સી. બંધ, ભારે ગરમીમાં ખેલાડીઓ પરેશાન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરના નજરાણા સમાન ઇનડોર સ્ટેડિયમમાં હેરાનગતિ
  • વર્ષ 2016માં 28 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્ટેડિયમમાં ખામી

ભાવનગરના નજરાણા સમાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના બહુહેતુલક્ષી સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્સની વાતાનુકુલિત સીસ્ટમ બંધ હોવાથી ભારે ગરમી વચ્ચે ખેલાડીઓને હેરાનગતિ થઇ રહી છે. સિદસરમાં સ્પોર્ટસ સ્ટેડિયમ બનાવવા માટે વર્ષ 1989માં જમીન સંપાદન કરવામાં આવી હતી. ત્યારબાદ 1995માં ઇનડોર સ્ટેડિયમ બનાવવામાં આવ્યુ હતુ.

2001ના વિનાશક ધરતીકંપમાં સ્ટેડિયમ જર્જરીત બન્યુ હતુ અને તેને થીગડાં મારી ચલાવવામાં આવતુ હતુ. વર્ષ 2013માં જૂનુ સ્ટેડિયમ સ્ક્રેપ કરવામાં આવ્યુ હતુ અને તેના સ્થાને નવું સ્ટેડિયમ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2016માં સંપૂર્ણ વાતાનુકુલિત બહુહેતુલક્ષી ઇનડોર સ્ટેડિયમ બનાવવામાં આવ્યુ હતુ.

નવા સ્ટેડિયમ બન્યા બાદ અનેક નેશનલ કક્ષાની ટુર્નામેન્ટો અહીં રમાઇ ચૂકી છે, અને ઇન્ટરનેશનલ ખેલાડીઓએ પણ ભાવનગર ખાતેની સ્પોર્ટ્સ સવલતો જેવી સવલત દેશમાં ભાગ્યે જ હોવાનું જણાવ્યુ હતુ. છેલ્લા ઘણા સમયથી સિદસર ખાતેના ઇનડોર સ્ટેડિયમની વાતાનુકુલિત સીસ્ટમ બંધ થઇ ચૂકી છે, જેના કારણે બંધ હોલની અંદર ખેલાડીઓને રમવું પડી રહ્યું છે.

એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી તરફ ખેલ મહાકુંભ અને અન્ય સ્પર્ધાઓ ઇનડોર સ્ટેડિયમમાં રમાડવામાં આવી હતી, જેમાં ખેલાડીઓ ભારે ગરમી અને હવાની અવર-જવર વિના ત્રસ્ત બની ગયા હતા. એક તરફ રાજ્ય સરકાર ગુજરાતમાં નવા ખેલાડીઓને પ્રોત્સાહન મળે, નવા ખેલાડીઓ સ્પોર્ટ્સ તરફ આકર્ષાય તેના માટે કરોડો રૂપિયા ખર્ચીને પ્રતિવર્ષ સ્પર્ધાઓ રમાડે છે, પરંતુ તેઓના હયાત ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સવલતોમાં ખામી સર્જાતા ખેલાડીઓના ભાગે હેરાનગતિ આવે છે.

બાસ્કેટબોલના ઇન્ટરનેશનલ ખેલાડી ઇન્દ્રવિજયસિંહ ગોહિલના જણાવ્યા પ્રમાણે, ભાવનગરનું ઇનડોર સ્ટેડિયમ નજરાણું છે, પરંતુ ઇનડોરમાં રમવા માટે ખેલાડીઓને હવાની અવર-જવરની જરૂર પડે છે. બાસ્કેટબોલ, બેડમિંટન, જૂડો, જીમન્સ્ટિક જેવી ઇનડોર રમતના ખેલાડીઓને ભારે મહેનત કરવી પડતી હોય છે અને તેના કારણે એ.સી. બંધ હોય તો પરસેવે રેબઝેબ થઇ જાય છે જેની સીધી અસર પ્રદર્શન પર પડે છે.

ટેન્ડરિંગ, મરામતની પ્રક્રિયા ગતિમાં છે
ભાવનગર ખાતેનું ઇનડોર સ્ટેડિયમ એક નજરાણું છે. હાલ 6માંથી 3 વાતાનુકુલિત સાધનો બંધ છે, અને કોરોના કાળમાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ ચૂક્યા છે. નવા ટેન્ડરિંગ કરી અને 2 વર્ષનો મરામત કોન્ટ્રાક્ટ ફાળવણીની પ્રક્રિયા ચાલુ છે. અમારો સમગ્ર સ્ટાફ સ્ટેડિયમ માટે હંમેશા તત્પર રહે છે. - દિગ્વીજયસિંહ બારૈયા, મુખ્ય અધિકારી, ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ

અન્ય સમાચારો પણ છે...