સમસ્યા વકરી:‘આપ’ તો ઐસે ના થે !! આપના કાર્યકરોએ 700 ઢોર ડબ્બામાંથી છોડી મુકતા માનવ જીંદગી ભયમાં

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છુટા મુકેલા પશુ પૈકી 60 જેટલા પશુ જાતે પાછા ડબ્બામાં આવ્યા
  • શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રાહિમામ છે ત્યારે સમસ્યા વિકટ બનાવી

ભાવનગર શહેર છેલ્લા ઘણા વર્ષોથી ઢોર વાડો બની ગયું હોય તેમ રસ્તા પર રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે. એક તરફ રખડતા ઢોરને પકડવા માટે લોકોમાં પણ ઉગ્ર માંગ હોય છે જ્યારે બીજી તરફ કોર્પોરેશનના ઢોરના ડબ્બામાં અસુવિધાને કારણે મૃત્યુ પામતા ઢોરને સુવિધા પુરી પાડવાની માંગ સાથે સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે રાજકીય રંગ આપી ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા એરપોર્ટ રોડ પરના ઢોર ડબ્બાને ખોલી નાખવામાં આવ્યો હતો. જેથી 700 જેટલા ઢોર ડબ્બામાંથી નીકળી ગયા હતા અને પુનઃ રસ્તા પર આવી ગયા હતા. જેની લોકોમાં પણ ભારે ટીકા થઈ છે.

ચોમાસું આવે અને ભાવનગરના રસ્તાઓ પર રખડતા ઢોરના ટોળા અડીંગો જમાવીને બેઠા હોય છે. રખડતા ઢોરની સમસ્યા વર્ષો જૂની છે. રખડતા ઢોરને કારણે નાના-મોટા અકસ્માતો થવા સાથે ઘણા લોકો મોતના મુખમાં પણ ધકેલાયા છે. કોર્પોરેશનની સાધારણ સભામાં પણ રખડતા ઢોરને પકડવા ઉગ્ર ચર્ચા થતી હોય છે અને નગર સેવકો દ્વારા રાજીનામા સુધીની પણ ચીમકીઓ પણ અપાઇ છે. છતા આજે પણ રખડતા ઢોરની સમસ્યા અણઉકેલ જ છે. કોર્પોરેશન દ્વારા શહેરના એરપોર્ટ રોડ અને અખિલેશ સર્કલ પાસે ઢોર ડબ્બા ઉભા કર્યા છે. બન્ને ડબ્બામાં હજારથી વધુ ઢોર રખાયેલા હતા.

પશુઓને સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા માટે લોકલડત કરવાને બદલે આપ દ્વારા ગઈકાલે રાત્રે આપના આગેવાનો દ્વારા ચોકીદાર પાસેથી ચાવી લઇ એરપોર્ટ રોડ પરના ડબ્બાને ખોલી નાખવામાં આવ્યો હતો. જેથી 750 થી વધુ ઢોર ડબ્બાની બહાર નીકળી ગયા હતા. જોકે 50 થી 60 ઢોર ઘાસચારા માટે પુનઃ ડબ્બામાં આવી ગયા હતા. આપ દ્વારા શહેરની મુખ્ય સમસ્યા રખડતા ઢોરને ઉકેલવાને બદલે ઢોરને છૂટા મુકી સમસ્યા વધુ વકરાવી છે અને માનવ જીંદગી સાથે ચેડા કર્યા હોવાનો પણ લોકોમાં રોષ ફેલાયો છે.

એક દિવસ અગાઉ 40 થી વધુ ઢોર ફેરવ્યા તેને છુટા મુકાયા
અખિલેશ સર્કલના ઢોર ડબ્બામાં કાદવ કીચડ વધુ હોવાથી પશુઓને પણ મુશ્કેલી પડતી હતી. અને અખિલેશ સર્કલ ના ઢોર ડબ્બામાં પામતા પશુઓનો વિડીયો તેમજ ફોટા વાયરલ થયા હતા. જેથી અખિલેશ સર્કલના ઢોર ડબ્બામાંથી કોર્પોરેશન દ્વારા ગઈકાલે જ 40 થી વધુ ઢોરને એરપોર્ટ રોડ પર બાલા હનુમાન મંદિર પાસેના ઢોર ડબ્બામાં સુરક્ષિત રીતે ફેરવ્યા હતા. ત્યાં આપના આગેવાનો દ્વારા ગઈકાલે રાત્રે એરપોર્ટ રોડ પરના ઢોર ડબ્બાને જ ખોલી નાખવામાં આવતા આ ઢોર રસ્તા પર નીકળી ગયા હતા.

કોર્પો.ને 700 ઢોર પકડવા ફરી 5 લાખ ચુકવવા પડશે
શહેરમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા ઢોરને પકડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ગત સપ્ટેમ્બર 2021 થી એક ઢોર દીઠ પકડી ડબ્બામાં પુરવાના રૂ.700 એજન્સીને ચુકવવાના રહે છે. અત્યાર સુધી અંદાજીત 1200 થી વધુ ઢોર પકડી ડબ્બામાં પુરાયા હતા. જે પૈકી ગઈકાલે રાત્રે 700 થી વધુ ઢોરને છુટા મુકવામાં આવ્યા હતા. જેથી હવે રસ્તા પર 700 ઢોરનો વધારો થયો છે. જેને પુનઃ પકડી ડબ્બામાં પુરવામાં આવશે. જેથી કોર્પોરેશનને પુનઃ એકના એક ઢોર માટે પાંચેક લાખ ચુકવવા પડશે.

આપના કાર્યકરો સામે ફરિયાદ નહિ કરવા કોની સુચના ?
કોર્પોરેશનમાં ભાજપનું શાસન હોવા છતાં આપ દ્વારા ઢોરને રસ્તા પર છોડી મુકાતા કોર્પોરેશન દ્વારા પોલીસ ફરિયાદની કાર્યવાહી શા કારણે નહીં કરવામાં આવી હોવાનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. ભાજપના ક્યા પદાધિકારીએ આપના કાર્યકરો સામે ફરિયાદ કરતા તંત્રને રોક્યું તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...