તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવક-યુવતી ડૂબ્યાં:ભાવનગરના ગૌતમેશ્વર તળાવમાં પગ લપસતાં યુવતી ડૂબી, યુવતીને બચાવવા કૂદેલો યુવક પણ ડૂબ્યો, યુવતીનો મૃતદેહ મળ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • લોકોનાં ટોળાં ઊમટ્યાં
  • ફાયરબ્રિગેડ, પોલીસ તથા મામલતદાર ઘટનાસ્થળે દોડી ગયા
  • ફાયરબ્રિગેડની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી

ભાવનગરની એમજે કોલેજમાં અભ્યાસ કરતાં યુવક-યુવતીઓ સિહોર ખાતે ગૌતમેશ્વર ખાતે ફરવા ગયાં હતાં, જ્યાં વલ્લભીપુરની યુવતીનો પગ લપસતાં તળાવમાં પડી ગઈ હતી. તળાવમાં ડૂબી રહેલી યુવતીને બચાવવા એક યુવક પણ કૂદ્યો હતો, પરંતુ તે પણ ડૂબી ગયો હતો. આ દુર્ઘટનામાં યુવતીની લાશ મળી આવી છે, જ્યારે યુવકની શોધખોળ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, શહેરની એમ.જે. કોલેજમાં અભ્યાસ કરતાં યુવક-યુવતીઓ આજે સિહોર નવનાથનાં દર્શન સાથે ગૌતમેશ્વર તળાવકાંઠે ફરવા ગયાં હતાં. વલ્લભીપુર ગામે રહેતી 19 વર્ષીય નિયતિ ભટ્ટ માછલીઓને ખોરાક આપી રહી હતી. એ દરમિયાન સંતુલન ગુમાવતાં તળાવમાં પડી હતી.

નિયતિને ડૂબતી જોઇ સિહોરનો જ રહેવાસી 20 વર્ષીય જગદીશ મકવાણા તેને બચાવવા તળાવમાં કૂદ્યો હતો, પરંતુ બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. આ જોઇ સાથે આવેલાં અન્ય યુવક-યુવતીઓએ મદદ માટે બૂમાબૂમ કરી હતી. બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા.

બનાવ અંગે પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરાતાં તરવૈયાઓ સાથે મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. યુવતીની લાશ બહાર કાઢી હતી, જેમાં સિહોર પોલીસે સ્થળ પર પંચનામું કરી લાશને પીએમ માટે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે કોલેજિયન યુવક-યુવતીઓમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...