ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માઢીયા ગામ નજીક આવેલા વોટરપાર્કમા ઓપરેટર તરીકે કામ કરતો યુવાન રાઈડના ચોથા માળેથી નીચે પટકાયો હતો. જેથી તેને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું મોત નિપજયું હતું.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માઢીયા ગામ પાસે તાજેતરમાં જ નવો વોટરપાર્ક શરૂ થયો છે. આ "જય માતાજી" વોટરપાર્કમા રાઈડ ઓપરેટર તરીકે નોકરી કરતો શૈલેષ ખીમજી ઠાકોર ઉ.વ.આ.24 રે.જેતલપુર ગામ તા.રાંધનપુર જિ.પાટણ વાળો ગઈકાલે બપોરના સમયે ચાર માળની ઉંચાઈએ આવેલી રાઈડના પટ્ટા બાંધી રહ્યો હતો તે વેળાએ બેલેન્સ ગુમાવતાં ચોથા માળેથી નીચે પટકાયો હતો.
આથી અન્ય કર્મીઓ તેને તત્કાળ સારવાર અર્થે મહુવા હોસ્પિટલમાં લાવ્યાં હતા. જયાં ફરજ પરના તબીબોએ યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ અંગે વોટરપાર્કના મેનેજરે મૃતકના સ્વજનોને જાણ કરતાં તેઓ મહુવા આવવા રવાના થયા હતા. આ અંગે મહુવા પોલીસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.