ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. 14મી માર્ચથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લાના વિકલાંગ વિદ્યાર્થીઓ માટે રાઇટરનો કેમ્પ તારીખ 9 માર્ચને ગુરુવારે બપોરે 12 વાગ્યાથી બપોરના 3 વાગ્યા દરમ્યાન કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, વિદ્યાનગર, કાળુભા રોડ, ભાવનગર ખાતે રાખવામાં આવ્યો છે. અંદાજે 125 જેટલા વિકલાંગ વિદ્યાર્થીઓને રાઇટરની સુવિધા આપવામાં આવશે.
આરોગ્ય વિભાગના સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે તો પૂરતી ચકાસણી કર્યા બાદ જુવેનાઇલ ડાયાબિટીસથી પીડાતા પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમિયાન જરૂરી નાસ્તો તથા દવા સાથે રાખવાની મંજૂરી આપવામાં આવે છે તેમ ડી. ઇ. ઓ. સંજયભાઈ વ્યાસે જણાવ્યું હતું. રાઇટર રાખવા માટે શાળાનો ફોરવર્ડિંગ લેટર, અરજી, બોનોફાઇડ સર્ટિફિકેટ વિકલાંગતા નું અસલ પ્રમાણપત્ર પરીક્ષા પ્રવેશપત્ર વિગેરે ડોક્યુમેન્ટ ઓરીજનલ સાથે રાખવાના રહેશે તેમ જ રાઇટરની મંજૂરી માટે જે તે દિવ્યાંગ વિદ્યાર્થીને વાલી સાથે રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે. દરેક ડોક્યુમેન્ટના ચાર સેટ તૈયાર કરવા જેમાં દરેક ઝેરોક્ષ નકલ પર ખરી નકલ કરાવી રાખવી.
દિવ્યાંગ વિદ્યાર્થીઓને તેમની દિવ્યાંગતા ની ટકાવારી અનુસાર અને આવશ્યકતા મુજબ બોર્ડની લેખિત પરીક્ષામાં મુક્તિ અથવા તો છૂટછાટ મળવાપાત્ર છે. સંપૂર્ણ દૃષ્ટિહિન માનસિક દિવ્યાંગ વગેરે ધરાવતા વિદ્યાર્થીઓ ધોરણ 10માં ગણિત વિષયમાં મુક્તિ રાખવા ઈચ્છે તો રાખી શકે છે અને તેના બદલે જૂથ-2માં ફરજિયાત વિષય પૈકી એકને બદલે વધુ વિષયો પસંદ કરી શકે છે. દિવ્યાંગ અલ્પદ્રષ્ટિ કે બધિરતા ધરાવતા વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં આકૃતિ નકશા અને ગ્રાફને બદલે વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવે છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની ફીમાંથી સંપૂર્ણ માફી આપવામાં આવે છે તેમ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યું હતું.
ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના રહેણાંકથી નજીક હોય તેવા પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવે છે તેમ જ પરીક્ષાના સેન્ટર હોય ત્યાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આવા વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયમાં અડધો કલાક વધુ સમય આપવામાં આવે છે. માંગણી મૂકી હોય તેવા પ્રજ્ઞાચક્ષુ પરીક્ષાર્થીઓને બ્રેઇલ લિપિવાળું પ્રશ્નપત્ર આપવામાં આવે છે.
સમગ્ર આયોજન માટે તખ્તસિંહજી હોસ્પિટલના મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડો. જે. એમ. બ્રહ્મભટ્ટ તથા આર.એમ.ઓ. ડો. તુષારભાઈ આદેશરાનો સહયોગ સાંપડ્યો છે અને હવે તેઓની ટીમ ગુરુવારે કેમ્પના સ્થળે હાજર રહેશે.
દિવ્યાંગ પરીક્ષાાર્થીઓ માટે પાસિંગ ધોરણ
બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12 ની પરીક્ષાાર્થીઓમાં ફક્ત નાપાસ થતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નાપાસ થતા વિષયોમાંથી 100 ગુણ માંથી ઓછામાં ઓછા કુલ 20 ગુણ પાસ થવા માટે મેળવવાના રહેશે આ 20 ગુણનો લાભ ધોરણ 9 અને 11ની શાળાકીય પરીક્ષાઓમાં પણ આપવાનો રહેશે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કર્યાથી દિવ્યાંગ વિદ્યાર્થીને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ મળવા પાત્ર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.